VIDEO: પંચમહાલના શહેરામાં માવઠાથી ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સહાયની ખેડૂતોની માગ

Panchmahal News : શિયાળાની શરૂઆત સાથે જ પંચમહાલ જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો છે. આ માવઠાના કારણે શહેરા તાલુકાના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.
શહેરા તાલુકાના મોરવા (રેણાં), ગોકળપુરા, પોયડા સહિતના વિવિધ ગામોમાં ખેડૂતોએ ભારે આશાઓ સાથે પોતાની જમીનમાં ડાંગર સહિતના પાકની ખેતી કરી હતી. જોકે, કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા આ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

મોંમાં આવેલો કોળિયો છીનવાયો!
ખાસ કરીને ડાંગરના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ઊભો ડાંગરનો પાક આળો પડી ગયો છે અને સંપૂર્ણપણે પલળી ગયો છે. એટલું જ નહીં, કાપણી કરીને ખેતરોમાં રાખેલો કેટલોક પાક પણ પલળી જતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારતક મહિનામાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ અનેક ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
વરસાદના કારણે ખેતરોમાં રહેલો ઘાસચારો પણ પલળી જવાથી પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. ડાંગરના નુકસાનથી ઘાસચારાની પણ અછત સર્જાઈ શકે તેવી ભીતિને લઈ પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂત ભરતભાઈ પટેલ (મોરવા-રેણાં) જણાવે છે કે: "વર્ષભરની મહેનત માવઠાના કારણે બરબાદ થઈ ગઈ છે. તૈયાર પાક સડી રહ્યો છે. સરકારે વહેલી તકે અમારી વહારે આવવું જોઈએ."

અન્ય ખેડૂત નટુભાઈ સોલંકીના જણાવ્યા મુજબ: "ઘાસચારો પણ પલળી જતાં પશુઓને ખવડાવવાની પણ ચિંતા છે. અમે સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવીને યોગ્ય સહાયની માગ કરીએ છીએ."
આ પણ વાંચો: પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં
તાત્કાલિક સર્વે અને સહાયની માગ
કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં રહેલા ડાંગર સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ પાક નુકસાની અંગે વહેલી તકે સર્વે કરાવીને યોગ્ય સહાય મળે તેવી ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે આજીજીભરી માગ કરવામાં આવી છે.
આ તમામ વચ્ચે આજે રવિવારે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે શહેરા તાલુકા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ પાક નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સરકાર અને કૃષિ મંત્રીને રજૂઆત કરી ઘટતું કરવાની ખાતરી આપી હતી.

