પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં

Crop Loss Anger Erupts In Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલી નુકસાની અંગે રાજ્ય સરકાર હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શકી નથી. ત્યારે કુદરતનો માર ખાઈને હતાશ થયેલા ખેડૂતો હવે સરકાર સામે આકરા પાણીએ આવી ગયા છે. ત્યારે ભાવનગરના સિહોરમાં ખેતરમાં પાક બાળીને હવન કરવામાં આવ્યો હતો. જ્યારે અમરેલીમાં રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોએ સરકારી કચેરી સામે પ્રતિકાત્મક રીતે પોક મૂકીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ગાંધીનગરમાં સરકારની ઊંઘ ઉડાવવા ખેડૂતોએ ઢોલ-નગારા વગાડ્યા હતા. બીજી તરફ તાલાલા ગીરથી થઈને ગાંધીનગર સુધી ઠેર ઠેર પાન નુકસાનીના ડિજિટલ સર્વેનો બહિષ્કાર થઈ રહ્યો છે. ત્યારે આ ઉગ્ર વિરોધ કાર્યક્રમોને લઈને સરકાર ચિંતામાં મૂકાઈ છે.
ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી સહાય જમા કરવા માગ
ભાવનગરના સિહોર પંથકમાં ખેડૂતોએ વરસાદથી નુકસાની પામેલા મગફળીના પાકના છોડવા બાળીને હવન કર્યો હતો. આ હવન દ્વારા ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે અમરેલીમાં મામલતદાર કચેરી સામે એકત્ર થયેલા ખેડૂતોએ પોક મૂકીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોખે જણાવ્યું હતું કે, 'સર્વે કર્યાં બાદ પણ સરકાર ફક્ત 12 હજાર રૂપિયા સહાય આપીને ઊભી રહેશે. આટલા ખર્ચમાં તો ખેતર સાફ પણ થઈ શકે તેમ નથી.'
વરસાદના કારણે પાકમાં 100 ટકા નુકસાન
અમરેલીના સાવરકુંડલા, ખાંભા, દાઢીયાળી, ભાવરડી તેમજ ખાંભા ગીરના જામકા સહિતના ગામોમાં ખેડૂતોએ ઓનલાઈન સર્વેનો બહિષ્કાર કર્યો છે. ખેડૂતોએ આવેદન પત્ર પાઠવીને માગણી કરી હતી કે વરસાદના કારણે પાકમાં 100 ટકા નુકસાની થઈ છે, તો પછી સર્વેમાં સમય બગાડવાના બદલે સરકારે ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી સહાય જમા કરવી જોઈએ. ગામડાઓમાં નેટવર્કના અભાવે એપ્લિકેશન ખુલતી નથી, માટે સર્વેયર અને ખેડૂતો બંને હેરાન થાય છે.
સર્વેની કામગીરીનો બહિષ્કાર
ગાંધીનગર જિલ્લામાં પણ માવઠાના વરસાદથી ખરીફ પાકને વ્યાપક નુકશાન થયું છે. તારીખ 30 ઓક્ટોબરથી નુકશાની સર્વે કરવા આદેશ પણ અપાયા છે. ત્યારે ગાંધીનગર તાલુકાના ખેડૂતોએ તાત્કાલીક સહાય ચૂકવવાની માંગણી સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જિલ્લા કચેરીએ પહોંચેલા ખેડૂતોએ આ સાથે સરકારની ઊંઘ ઉડાડવા ઢોલ નગારા વગાડયા હતાં અને પશુઓ માટેના ઘાસચારાની ચીંતા પણ જતાવી હતી.
આ પણ વાંચો: ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો
તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામના ખેડૂતોએ સહાય નહીં પાક ધિરાણ માફ કરવાની માંગણી સાથે સર્વેની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. તાલાલા પંથકના છેવાડે આવેલ પાણીકોઠા, વલાદર અને જાવંત્રી ગીર ત્રણ ગામની જૂથ ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને ખેડૂત સભા યોજાઈ હતી. ભારે વરસાદના કારણે મગફળી, સોયાબીન અને કઠોળ વિગેરે તૈયાર ખરીફ પાક નાશ પામ્યો છે. માટે ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા સભાએ માંગણી કરી હતી.

