Get The App

અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન 1 - image


ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી

ખેતરોમાં ઊભા ડાંગર અને લણણી કરીને રાખેલા ડાંગરના ઢગલા પલળી જતા મોટું નુકસાન

બગોદરાઅમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર ઊભા પાકને અને લણણી કરીને રાખેલા પાકને મોટું નુકસાન પહોંચાડયું છે. મુખ્યત્વે ડાંગર (ચોખા)ના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે.

બાવળા, ધોળકા, સાણંદ, ધંધુકા અને દસક્રોઇ સહિતના અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં વરસાદથી ખેતીને મોટો ફટકો પડયો છે. ખેતરોમાં ઊભા ડાંગરના પાકને વરસાદ અને પવનને કારણે નુકસાન થયું છે. જ્યારે લણણી કરીને વેચાણ માટે ખેતરમાં અથવા ખળામાં રાખેલા ડાંગરના ઢગલા પણ વરસાદના પાણીમાં પલળી ગયા છે, જેના કારણે ગુણવત્તા બગડી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોડી રાત્રે અચાનક વરસાદ વરસતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર સર્વેનો આદેશ કરે અને યુદ્ધના ધોરણે વળતર ચૂકવે. આથક સંકટમાંથી બહાર આવવા માટે સરકારી સહાય એકમાત્ર માર્ગ છે. વરસાદના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે અને જો તાત્કાલિક સહાય નહીં મળે તો ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બની શકે છે.

ડાંગરની ગુણવત્તા પર અસર પડશે (બોક્સ)

ડાંગર પલળી જવાથી તેની ગુણવત્તા બગડશે, પરિણામે ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે. લાભ પાંચમથી માર્કેટ યાર્ડ ખુલતા જે ખેડૂતો ડાંગર વેચવા ગયા છે, તેમને પણ ઓછા ભાવ મળવાની સંભાવના છે.

 

Tags :