ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા
IMD Forecast, Gujarat : ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ત્યારે શનિવારે સાબરકાંઠા, જૂનાગઢ, અરવલ્લી, રાજકોટ સહિતના વિસ્તારોમાં માવઠું થયું હતું. જ્યારે હવામાન વિભાગે આગામી 13 મે, 2025 સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં 9 મેના 6 વાગ્યાથી 10 મેના 6 વાગ્યાના 24 કલાક દરમિયાન કુલ 73 તાલુકામાં માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.
હજુ ત્રણ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (11 મે) ગુજરાતભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની આગાહી છે. જ્યારે 12 મેના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.
13 મેની આગાહી
આગામી 13 મેના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: Monsoon-2025 : દેશમાં ક્યારે આવશે ચોમાસું, કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શનિવારે (10 મે)ના રોજ વિસનગર પંથક, ઊંઝા તાલુકાના ગ્રામ્ય પંથક, અરવલ્લીના ભિલોડા પંથક, સાબરકાંઠાના ઈડર, રાજકોટના કોટડાસાંગાણી, જૂનાગઢ, બોટાદ, ગોંડલ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થયું છે. જ્યારે 9 મેના 6 વાગ્યાથી 10 મેના 6 વાગ્યાના 24 કલાક દરમિયાન કુલ 73 તાલુકામાં માવઠું થયું હતું.