Get The App

અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને ઍલર્ટ

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને ઍલર્ટ 1 - image


Rain In Amreli : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 કલાકની અંદર 63 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં આશરે 2 ઇંચ વરસાદ થયો છે. અમરેલીમાં અનરાધાર વરસાદી માહોલ છે, ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

અમરેલીના અનેક વિસ્તારોમાં માવઠું, ખેડૂતો ચિંતિત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમરેલીના રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે 31 ઑક્ટોબરના રોજ રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.

અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને ઍલર્ટ 2 - image

ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી લોકો પરેશાન છે, ત્યારે ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત ચોથા દિવસે ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભાના નાના બારમણ, મોટા બારમણ, ડેડાણ, ત્રાકુડા, ભુડણી સહિતના વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છે. 

આ પણ વાંચો: કમોસમી વરસાદના કારણે ધરોઇ ડેમ છલકાયો: 100 ટકા ભરાઈ જતાં સાબરમતીમાં પાણી છોડાયું

ભારે વરસાદના કારણે ખાંભાની ધાતરવડી નદી અને ડેડાણ ગામની અશોકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જાફરાબાદના ટીંબી ગામની રૂપેણ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે. ધોધમાર વરસાદને પગલે ધાતરવાડી ડેમ-2માં એક સાથે 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે.

અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને ઍલર્ટ 3 - image

ધાતરવડી ડેમ-2માં 5400 ક્યુસેકથી વધુ પાણીની આવક શરુ થતાં નીચાણવાળા ભચાદર, વડ, રામપરા, ભેરાઇ, ખાખબાઈ, કોવાયા, હિંડોરણા, ઉછેયા સહિતના નદી કાંઠાના ગામડાને ઍલર્ટ કરવામાં આવ્યા છે. 

અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને ઍલર્ટ 4 - image

અવિરત કમોસમી વરસાદ વચ્ચે મકાન ધરાશાયી

અમરેલીમાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નાના લીલીયામાં મકાન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. શાંતાબહેન સોમાભાઈ બળોલીયાનું કાચુ મકાન ધરાશાયી થતાં સરપંચ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ પહોંચી નથી. બનાવ અંગે સરપંચે મામલતદાર અને ટી.ડી.ઓ.ને જાણ કરી છે. 

અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને ઍલર્ટ 5 - image


Tags :