અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું

Unseasonal Rain in Amreli: અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનની અસરરૂપે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભા અને જાફરાબાદ તાલુકામાં વહેલી સવાર સુધી ઘોઘમાર વરસાદ ખાબકતા નદીઓમાં પૂર આવ્યા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.

ધોળાદ્રી નદીમાં આધેડ તણાયા, NDRF દ્વારા શોધખોળ
જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં ભારે વરસાદના કારણે ગામની નદીમાં પૂર આવતા એક આધેડ તણાયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ મામલતદાર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. NDRF ટીમ દ્વારા નદીના પાણીમાં તણાયેલા આધેડની શોધખોળ માટે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઈંચ વરસાદ
ખાંભાના તાતણિયામાં ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું
ખાંભાના ગ્રામ્ય પંથકમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ભારે વરસાદ પડતાં તાતણિયા સહિતના ગામોમાં પાણી ભરાયા છે. તાતણિયા ગામની નદીમાં જોરદાર પૂર આવતા નદીના પાણી ગામ તરફ વળ્યા હતા. પૂરના પાણી સીધા ખોડિયાર મંદિરના પરિસરમાં ઘૂસી ગયા હતા. ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે જનજીવન પર અસર પડી છે.

ધાતરવડી નદીમાં પૂર આવતા નીચાણવાળા ગામોમાં ભય
ખાંભા ગીર પંથકમાં અવિરત વરસાદના પગલે ધાતરવડી નદીમાં પણ પૂર આવ્યું છે. નદી બે કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારો અને ગીરના ગામડાઓમાં રહેતા લોકોમાં પૂરના પાણી ઘૂસવાનો ભય ફેલાયો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

