અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઇંચ વરસાદ

| AI IMAE |
Gujarat Rain Update: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં કમોસમી વરસાદનું જોર જોવા મળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જ રાજ્યના 72 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો.
આ સાર્વત્રિક માવઠાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં માત્ર 2 કલાકમાં દોઢ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના લીંબડી અને ચૂડા, આણંદના બોરસદ, રાણપુર, ખેડા, ભાવનગરના તળાજા તેમજ છોટા ઉદેપુરના જેતપુર પાવી અને ક્વાંટ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા
આજે વહેલી સવારે અમદાવાદના ધંધુકામાં 1.93 ઇંચ, રાજકોટના લોધીકામાં 1.61 ઇંચ, ભાવનગરના ઉમરાળામાં 1.34 ઇંચ, ભરુચના જંબુસરમાં 1.18 ઇંચ, બોટાદના ગઢડામાં 0.98 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 0.94 ઇંચ, બોટાદના બરવાળામાં 0.91 ઇંચ, રાજકોટ શહેરમાં 0.91 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ભાવનગરના વલ્લભીપુર, સિહોર, જામનગરના કાલાવડ અને લાલપુર, પાલીતાણા, બોરસદ, અને રાણપુરમાં પર કમોસમી વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ શરુ થતાં ઑફિસ જવા નીકળેલા લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાની ઋતુ હોવા છતાં લોકોને રેઇનકોટ પહેરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં 3.46 ઇંચ નોંધાયો હતો. આ સિવાય અમરેલીના ખાંભામાં 76 મિ.મી, ભાવનગરના તળાજામાં 63 મિ.મી, અમરેલીના જાફરાબાદમાં 52 મિ.મી અને ભાવનગરના મહુવામાં 49 મિ.મી વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાક દરમિયાન ભરુચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ અને બોટાદને ભારે વરસાદ માટે યલો ઍલર્ટ છે.
પહેલી નવેમ્બરના રોજ ભરુચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં વીજળી પડવા અને ભારે પવન ફૂંકાઈ શકે છે.
બીજી નવેમ્બરે હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ત્રીજી નવેમ્બરના રોજ, રાજ્યના બધા જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની આગાહી છે.
ચોથી નવેમ્બરના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા સિવાયના બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે.
પાંચમી અને છઠ્ઠી નવેમ્બર દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં જ વરસાદની સંભાવના છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની સંભાવના છે.
જોકે, રાહતના સમાચાર એ છે કે આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ધીમે-ધીમે નબળી પડવાની શક્યતા છે. તેમ છતાં, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી યથાવત્ રાખવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

