ગુજરાતના 34 તાલુકામાં માવઠું, કુતિયાણામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, હજુ 3 દિવસ આગાહી
Gujarat Rain and Weather News: ગુજરાતમાં સાતમાં દિવસે પણ માવઠાનું સંકટ યથાવત્ રહ્યું છે. શનિવારે (10મી મે) 35 તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં પોરબંદરના કુતિયાણામાં બે કલાકમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
જામકંડોરણા, ધોરાજી અને ઉપલેટામાં 1.5 ઈંચથી વધુ વરસાદ
મળતી માહિતી અનુસાર, કુતિયાણામાં શનિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટના જામકંડોરણામાં 3 ઈંચ, ધોરાજીમાં 2.50 ઈંચ, જેતપુરમાં 2.05 ઈંચ, ઉપલેટમાં 1.50 ઈંચ, જૂનાગઢના માણવદરમાં 1.50 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 1.40 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.25 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: જૂનાગઢ સતત ચોથા દિવસે ભિંજાયું, માણાવદરમાં 2.5, ગ્રામ્ય પંથકમાં 4થી 5 ઈંચ કમોસમી વરસાદ
ગુજરાતમાં રવિવારે (11મી મે) 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તેમાં આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય સોમવાર-મંગળવારના પણ અનેક જિલ્લામાં હળવા વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ છે.