Get The App

ગુજરાતના વાતાવરણમાં પલટો: અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, બટાકા-ઘઉંના પાક પર જોખમ

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતના વાતાવરણમાં પલટો: અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, બટાકા-ઘઉંના પાક પર જોખમ 1 - image


Unseasonal Rain Gujarat: ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું છે અને અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

અરવલ્લીના માલપુર અને મેઘરજમાં માવઠું

અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પંથકમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ભરશિયાળે વરસાદ પડતા રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. માત્ર અરવલ્લી જ નહીં, દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આ પણ વાંચો: રાજકોટની કલંકિત ઘટના : પત્નીને કેન્સર થયું તો પિતાની દીકરી પર દાનત બગડી, 4 વર્ષ સુધી સગીરા પર દુષ્કર્મ આચર્યું

ખેતી પાકોને નુકસાનની ભીતિ

આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. ખાસ કરીને માવઠાના કારણે રવિ પાક જેવા કે ઘઉં અને બટાકાના પાકમાં રોગચાળો (જીવાત અથવા ફૂગ) આવવાની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદી માહોલ લાંબો સમય ચાલશે તો પાક તૈયાર થવાના સમયે જ બગડવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં માવઠું 

ડાંગ જિલ્લામાં સાપુતારા, આહવા અને વઘઈ પંથકમાં જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં નોંધાયા છે. આ ઉપરાંત સુરત અને વલસાડના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. બીજી તરફ કચ્છ જિલ્લાના લખપત અને નારાયણ સરોવર જેવા સરહદી વિસ્તારોમાં પણ અચાનક કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હોવાની માહિતી મળી છે.

હવામાન વિભાગની આગાહી શું હતી?

હવામાન વિભાગે અગાઉ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી કરી હતી. હવામાન નિષ્ણાતોના મતે, અરબી સમુદ્રમાં સર્જાયેલી ભેજવાળી સિસ્ટમને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને આગામી 24 થી 48 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.