ઇન્ટર્નશિપ અંગે સ્થળની વ્યવસ્થા માટે યુનિ.-કોલેજનો સહકાર જરૂરી

- નવી શિક્ષણ નીતિના અમલ હેઠળ સેમ-6ના છાત્રો માટે
- કોલેજો માત્ર એક લેટર આપીને છુટી જાય છે પરંતુ વિદ્યાર્થીને ક્યાંક સહકાર તો ક્યાંક અસહકાર મળે છે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવી શિક્ષણ નીતિના અમલ હેઠળ આ વર્ષે સેમેસ્ટર-૬ના વિદ્યાર્થીઓ એટલે કે અંદાજીત ૫૫ હજાર વિદ્યાર્થી માટે ઇન્ટર્નશિપ મોટો ફરજીયાત પડકાર આવ્યો છએ જેમાં કોલેજોએ સ્પષ્ટ આદેશ આપી ૧૦૦ માર્કસના ઇન્ટર્નશિપ પેપર માટે દરેક છાત્રોએ લઘુતમ ૧૨૦ કલાકની (આશરે ૧૭ દિવસ) ઇન્ટર્નશિપ કોઇપણ રજિસ્ટર્ડ કંપની સહરકારી સંસ્થા કે આર્ટસ કોમર્સ સંબંધિત સેક્ટરમાં પૂર્ણ કરવી પડશે. જ્યારે વિદ્યાર્થી અને વાલીઓના અભિપ્રાયો પ્રમાણે ઇન્ટર્નશિપ ફરજીયાત કરી સારી બાબત છે. આ નિર્ણય વિદ્યાર્થીને વ્યવહારૂ અનુભવ મળશે. પરંતુ સ્થળની વ્યવસ્થા કરવામાં વિદ્યાર્થીઓ પાછા પડી રહ્યા છે. ભાવનગરમાં પર્યાપ્ત સંસ્થાનોનો અભાવ છે અને ગ્રામ્ય પંથકની કોલેજોના છાત્રો માટે સંસ્થા ગોતવી લોઢાના ચણા ચાવવા સમાન છે ત્યારે યુનિવર્સિટી કે કોલેજોએ સહકાર આપવો જરૂરી છે. તેમને જે-તે સંસ્થાઓ સાથે સંકલન કરી વિદ્યાર્થીઓને મોકલવા જોઇએ જેથી તેમને ઇનન્ટર્નશિપ માટે સ્થળ નક્કી કરવામાં સરળતા રહે. કોલેજો ફક્ત એક લેટર આપી દે છે જેના કારણે સંસ્થામાં જતા વિદ્યાર્થીને ક્યાંક હકારાત્મક તો ક્યાંક નકારાત્મક અભિપ્રાય મળતા વિદ્યાર્થી મુંઝવણમાં મુકાય છે અને ખાસ કરી ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓને જે-તે સંસ્થા ખાતે ડાયરેક કોઇ કનેકશન ન હોવાથી ઇન્ટર્નશિપ માટે પરમીશન મળતી નથી અને બીજી બાજુ કોલેજોનો ઇન્ટર્નશિપનો આગ્રહ હોય વિદ્યાર્થી પીસાય રહ્યો છે જેની અસર અન્ય પેપર પર પણ પડી શકે છે ત્યારે કોલેજો અને યુનિવર્સિટી દ્વારા વ્યવસ્થા ગોઠવી આપે તે હાલના પ્રથમ તબક્કે જરૂરી બન્યું છે.

