VIDEO: સુરતની સોસાયટીઓમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી-ભોજન અને ફનફેરથી એકતાનો માહોલ છવાયો
Ganesh Chaturthi 2025 : લોકમાન્ય બાળ ગંગાધર તિલકે સમાજમાં એકતા અને સંગઠન વધે તેવા ઉમદા હેતુથી સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી હતી. જોકે, આજના મોટા આયોજનોમાં ક્યારેક આ ઉદ્દેશ્ય ભુલાઈ ગયો હોય તેવું લાગે છે, પરંતુ સુરતની શેરીઓ, મહોલ્લાઓ અને ખાસ કરીને રહેણાંક સોસાયટીઓમાં આ હેતુ સાર્થક થઈ રહ્યો છે. ગણેશોત્સવના અંતિમ દિવસોમાં આ સોસાયટીઓમાં સમૂહ આરતી, સમૂહ ભોજન અને ફનફેર જેવા કાર્યક્રમોથી લોકોમાં એકતા અને સામુહિક ભાવના વધુ મજબૂત બની રહી છે.
ગણેશોત્સવ બની રહ્યો છે સમાજિક સંગઠનનું માધ્યમ
સુરતની અનેક રહેણાંક સોસાયટીઓમાં ગણેશોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજકો જણાવે છે કે, ગણેશજીની સ્થાપના બાદ એક દિવસ છપ્પન ભોગ, એક દિવસ મહા આરતી, અને એક દિવસ ફનફેરનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં સોસાયટીના તમામ સભ્યો એકસાથે ભેગા થાય છે અને એકબીજા સાથેના સંબંધો વધુ ગાઢ બને છે.
ફનફેરથી યુવાનો જોડાયા
સોસાયટીમાં આયોજિત ફનફેર એક લોકપ્રિય આકર્ષણ બન્યું છે. આ ફનફેરમાં સોસાયટીના સભ્યો, ખાસ કરીને યુવાનો, પોતાના ઘરે બનાવેલી વાનગીઓનો સ્ટોલ મૂકે છે. આ પ્રકારના આયોજનોથી યુવાનો પણ તહેવાર સાથે જોડાય છે અને સમાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય બને છે.
શ્રીજીની વિદાય બાદ સમૂહ ભોજનનો ટ્રેન્ડ
સુરતની મોટાભાગની સોસાયટીઓમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સોસાયટીના પ્રાંગણમાં જ કરવામાં આવે છે. આ વખતે પણ સંખ્યાબંધ સોસાયટીઓએ આજે સવારે પૂજા-અર્ચના બાદ ધામધૂમપૂર્વક શ્રીજીની વિદાય યાત્રા કાઢી હતી. વિસર્જન બાદ, સોસાયટીના રહીશો ભેગા મળીને સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજી રહ્યા છે. આ ટ્રેન્ડ સમાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. સમૂહ ભોજનના માધ્યમથી લોકો એકબીજાની વધુ નજીક આવે છે, જેનાથી એકતાની ભાવના કેળવાય છે અને સમાજ વધુ સંગઠિત બને છે.
આ પણ વાંચો: સુરતના કોટ વિસ્તારમાં ગણપતિજીના ભવ્ય દરબાર, એકથી એક ચડિયાતા પંડાલમાં ભક્તોની ભીડ
લોકમાન્ય તિલકનો ગણેશોત્સવ દ્વારા સમાજને એક કરવાનો ઉદ્દેશ્ય આજે પણ સુરતની રહેણાંક સોસાયટીઓમાં જીવંત છે, અને આ તહેવાર માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક એકતાનું પણ પ્રતીક બની રહ્યો છે.