જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો
Jamnagar News : જામનગરની આઇડીબીઆઇ બેંકમાં એક ગ્રાહકને બેંકના અધિકારી અને સ્ટાફ દ્વારા ન્યાય મળતો ન હોવાથી અલગ જ પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ગ્રાહકે પોતાના ઘેરથી ચાદર-ઓશીકું વગેરે લાવીને જ્યાં સુધી પોતાનું કામ ન થાય ત્યાં સુધી બેંકના સોફા પર જ લંબાવી દીધું હતું. જેને લઈને બેંકનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો.
બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ!
જામનગરની આઇ.ડી.બી.આઇ. બેંકમાંથી જામનગરના જેશાભાઈ નામના વ્યક્તિએ હોમલોન લીધી હતી. બેંકમાંથી હોમલોન લીધા બાદ આ લોન તેઓ અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરવા માંગતા હતા. જેને લઈને જેશાભાઈએ આ અંગે બેંક પાસેથી ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પરંતુ આઇ.ડી.બી.આઇ. બેંક દ્વારા ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા ન હતા.
ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો
જોકે, આ મામલે જેશાભાઈએ અનેક વખતે બેંકના ધક્કા ખાધા અને બેંકમાં રજૂઆત કરી હોવા છતાં તેમને જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા ન હતા. જેમાં જેશાભાઈને સંતોષકારક જવાબ નહીં મળતાં પરેશાનો સામનો કરવો પડ્યો હતો, અંતે કંટાળીને તેમણે બેંકમાં જઈને અનોખી રીતે વિરોધ કરીને પોતાની માગ મૂકી હતી.
જેમાં જેશાભાઈ બેંકના સોફા પર જ ઓશીકું અને ચાદર લઈને સૂઇ ગયા હતા. અને જ્યાં સુધી જરૂરી ડોક્યુમેન્ટ બેન્ક દ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી બેન્કમાં સોફા પર જ સૂઈ રહીને વિરોધ કરવાનું જણાવતાં બેંકના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.