અમદાવાદઃ આજના ડિજિટલ યુગમાં બ્લેકમેઈલિંગ અને ઓનલાઈન છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે શહેરમાં રિક્ષા ચાલકને તેની પત્નીના બિભત્સ ફોટો અને વીડિયો મોકલીને યે વીડિયો વાયરલ કરને કે હે એવું બોલીને હેરાન કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદીએ વીડિયો મોકલનારને ફેસબુક મેસેન્જરથી કોલ કરીને અનેક વખત વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ સામેથી કોલ રિસિવ કરવામાં નહોતો આવ્યો અને વારંવાર બિભત્સ ફોટો અને વીડિયો મોકલવામાં આવતા હતાં.
પત્ની તથા અજાણ્યા ઈસમની વાતચીતનો ઓડિયો આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ખોડિયારનગર અમદાવાદમાં રહેતા એક રિક્ષા ચાલકના લગ્ન 20018માં થયા હતાં અને ત્યાર બાદ તેમને સંતાનમાં એક દીકરીનો જન્મ થયો હતો. ત્યાર બાદ તેમની પત્નીને વારંવાર ઘરકંકાશ થતો હોવાથી તે ઘર છોડીને તેના પિયરમાં ચાલી ગઈ હતી. જેથી ફરિયાદી રિક્ષા ચાલક રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. તેમના વોટ્સએપ પર કોઈ અજાણ્યા નંબરથી તેમની પત્ની તથા કોઈ અજાણ્યા ઈસમ વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો આવ્યો હતો. ત્યાર બાદ સામેથી જુલિયો બોલું છું એવો મેસેજ આવ્યો હતો.
પત્નીના બિભત્સ ફોટો અને વીડિયો મોકલ્યા
ત્યાર બાદ સામેથી તેણે ફરિયાદી રિક્ષા ચાલકની પત્નીના બિભત્સ ફોટો અને વીડિયો મોકલ્યા હતાં. ફરિયાદીએ તેને કહ્યું હતું કે, આવું કેમ કરો છો મેં તમારૂ શું બગાડ્યું છે. ત્યારે સામે વાળાએ વધુ ફોટો અને વીડિયો મોકલ્યા હતાં. ત્યાર બાદ રિક્ષાચાલકના ફેસબુક પર તેની પત્નીના બિભત્સ ફોટો વીડિયો વાળું એકાઉન્ટ બનાવીને રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. આમ વારંવાર આ પ્રકારના ફોટો વીડિયો મોકલીને રિક્ષા ચાલકને હેરાન કરવામાં આવતો હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


