Updated: Mar 18th, 2023
અમદાવાદ,શનિવાર,18 માર્ચ,2023
રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ રીવરફ્રન્ટની બંને તરફ
આવેલી ફૂટપાથોને સુશોભિત કરવાના નામે ૧૯૫ સ્ટેન્ડ સાથે ૩૯૦ ફલાવર બાસ્કેટ મુકવા પાછળ રુપિયા ૪.૧૪ લાખનો
ખર્ચ કરવામાં આવ્યો છે.એક ફલાવર બાસ્કેટ મુકવા પાછળ ૧૮ ટકા જીએસટી સાથે રુપિયા
૨૧૨૪ની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ દ્વારા રીવરફ્રન્ટ
ઈસ્ટ અને વેસ્ટની બંને તરફ આવેલી ફૂટપાથોને ફલાવરબાસ્કેટ મુકી સુશોભિત કરવા કોન્ટ્રાકટર
મે.એચ.કે.પંચાલ એન્જિનીયરીંગ વર્કસને કવોટેશનથી કામગીરી આપવામા આવી હતી.એડવોકેટ અતિક
સૈયદે માંગેલી માહિતીમાં રીવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડ તરફથી શાહીબાગ ડફનાળાથી અવસર
પાર્ટી પ્લોટ થઈ હાંસોલ થઈ સુરણીયાવાસથી ઈન્દિરાબ્રિજ સુધીના બંને બાજુના રોડની ફૂટપાથ
ઉપર તથા અન્ય સ્થળ ઉપર કુલ કેટલા ફલાવરબોકસ
મુકવામા આવ્યા એ અંગે રીવરફ્રન્ટ લિમિટેડ પાસે માહિતી ઉપલબ્ધ ના હોવાનો જવાબ આપવામાં
આવ્યો છે.સ્ટેન્ડ સાથે લગાવવામા આવેલા કેટલા ફલાવરબાસ્કેટ ચોરી અથવા ગાયબ થઈ ગયા છે
એ અંગે માહિતી આપવાના બદલે સીઝનલ ફલાવર બદલવા બાસ્કેટમાંથી તંત્ર તરફથી છોડ બદલવા ફલાવર
ઉતારી લેવામા આવ્યા હોવાનો જવાબ આપવામા આવ્યો છે.કોન્ટ્રાકટરને કોઈ પેમેન્ટ કરવામા
આવ્યુ ના હોવાનો તંત્રે જવાબ આપ્યો છે.મ્યુનિ.કમિશનર સમક્ષ ફલાવરબાસ્કેટ મુકવા મામલે
વિજિલન્સ તપાસની માંગ કરાઈ છે.