કમોસમી વરસાદનો કાળો કહેર: ઉના-તળાજામાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા

Heavy Rain in Una-Talaja: રાજ્યમાં અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં મોડી રાત્રે વરસેલા ધોધમાર કમોસમી વરસાદે વિકટ પરિસ્થિતિ પેદા કરી છે. વ્યાપક વરસાદના કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. વરસાદના પગલે ઉના તાલુકાના સનખડા, ખત્રીવાડા અને સુલતાનપુરા એમ ત્રણ ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની ગયા છે.
આ પણ વાંચો: અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું
તો બીજી તરફ, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પણ ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણી ફરી વળતાં નવી કામરોળ ગામનો સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. બંને જિલ્લામાં તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
ભારે વરસાદના લીધે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. ગ્રામજનોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે, અને ઇમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ ગઈ હોવાના અહેવાલ છે. આ કમોસમી માવઠાનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. ખેતરોમાં ઉભો પાક બળી જતાં ખેડૂતો પર આર્થિક સંકટ ઘેરાયું છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

