ગુજરાતનાં આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

UK Surrey University In GIFT City : યુનિવર્સિટી ઓફ સરે, ઇંગ્લેન્ડના ગિલ્ડફોર્ડમાં આવેલી એક જાહેર સંશોધન યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City)માં તેનું કેમ્પસ ખોલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાનું સામે આવ્યું છે. જે ભારતમાં વૈશ્વિક ઉચ્ચ શિક્ષણની તકોના વિસ્તરણમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
યુકેની યુનિવર્સિટીને ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલવા સૈદ્ધાંતિક મંજૂરી
યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરની ભારત મુલાકાતના પરિણામોના ભાગ રૂપે આ જાહેરાત કરવામાં આવી હતી. ભારતની બે દિવસની મુલાકાતે આવેલા સ્ટારમરે મુંબઈના રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી.
આ મુલાકાત બંને દેશો વચ્ચે તાજેતરમાં પૂર્ણ થયેલા વેપાર કરારને અનુસરે છે, જેના પર જુલાઈ 2025માં પીએમ મોદીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્રણ વર્ષની વ્યાપક વાટાઘાટો પછી, વેતનમાં વધારો, જીવનધોરણમાં સુધારો અને ગ્રાહક ભાવ ઘટાડીને "બંને દેશોને નોંધપાત્ર લાભો" પહોંચાડવા માટે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
યુનિવર્સિટી ઓફ સરેના વાઇસ-ચાન્સેલરે શું કહ્યું?
યુનિવર્સિટી ઓફ સરેના પ્રમુખ અને વાઇસ-ચાન્સેલર પ્રોફેસર સ્ટીફન જાર્વિસે જણાવ્યું હતું કે, GIFT સિટીમાં અમારું નવું કેમ્પસ ખોલવા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે UK યુનિવર્સિટીઝ ઇન ઇન્ડિયા એલાયન્સના સ્થાપક સભ્યો બનવા માટે આમંત્રણ મળવાનો આનંદ છે. સરે અમારી સાથી યુનિવર્સિટીઓ સાથે ખભા મિલાવીને ઊભા રહેવાનો ગર્વ અનુભવે છે. અમે ઉચ્ચ શિક્ષણને કૌશલ્ય અને સંશોધન પ્રવેગક બનવાની સંભાવનાને વિસ્તૃત કરવા માંગીએ છીએ, જે UK અને ભારતીય બંને અર્થતંત્રોને લાભદાયી છે.'