PTC એડમિશન કૌભાંડ: ગુજરાતમાં રૂ. 2 લાખમાં સીટો વેચાય છે, 'ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે પૈસા'

PTC Collage Admission Scam in Gujarat: ગુજરાતમાં PTC કોલેજોમાં એડમિશન પ્રક્રિયાને લઈને ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચારના વધુ એક કિસ્સાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વીડિયો સહિતના કેટલાક પુરાવા આપીને દાવો કર્યો છે કે, PTCમાં એડમિશન આપવાના નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2 લાખ સુધીની માંગણી કરાઈ રહી છે. જાહેર કરાયેલા વીડિયોમાં સૌથી ગંભીર બાબત એ છે કે, કોલેજના ટ્રસ્ટીઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ રકમમાંથી 1 લાખ રૂપિયા રાજ્યના ઉચ્ચ અધિકારીઓને પહોંચશે. વિવાદ વકરતા હવે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસે તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
યુવરાજસિંહ દ્વારા જાહેર કરાયેલા વીડિયો મુજબ અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાં આવેલી કુશાગ્ર લતાબા સ્ત્રી મંદિર નામની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટીએ એક વિદ્યાર્થી પાસેથી મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન આપવા માટે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વીડિયોમાં ટ્રસ્ટી સ્વીકારે છે કે આ રકમમાંથી 1 લાખ રૂપિયા ઉચ્ચ સરકારી અધિકારીઓને આપવાના થાય છે.
ઉત્તર બુનિયાદીના વિદ્યાર્થીઓના એડમિશન રદ
આ કૌભાંડ વચ્ચે ઉત્તર બુનિયાદી શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાનો પણ આક્ષેપ કરાયો છે. નિયમ મુજબ એડમિશન આપી, ફી લઈને અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ પણ કોલેજો અને શિક્ષણ વિભાગે 'ઉત્તર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓને PTCમાં એડમિશન નહીં મળે' તેવો નિયમ ટાંકીને અચાનક એડમિશન રદ કરી દીધા હતા. જ્યાં 100 સીટ હતી, ત્યાં ફક્ત 1 સીટ મળશે તેમ કહીને મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત કરાયા હતા.
આ પણ વાંચો: નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા
એક જ રાતમાં કોલેજની માન્યતા પુનઃસ્થાપિત કરાવવાનો એજન્ટનો દાવો
આ સમગ્ર મામલમાં લોકમાન્ય કોલેજના પ્રિન્સિપાલ ગૌરાંગ પરમાર પર પણ ગંભીર આરોપો લગાવાયા છે. વીડિયોમાં દાવો કરાયો છે કે ગૌરાંગ પરમાર શિક્ષણ વિભાગના 'એજન્ટ' તરીકે કાર્ય કરે છે. તેમણે માન્યતા રદ થયેલી એક કોલેજમાં જઈને 50% ભાગીદારીના MOU કર્યા અને એક જ રાતમાં કોલેજની માન્યતા પુનઃસ્થાપિત કરાવી હતી. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણના નામે રાજ્યમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
તટસ્થ તપાસની માંગ
આ સનસનીખેજ ખુલાસા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે તમામ PTC કોલેજોના વિદ્યાર્થીઓને બોલાવીને સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસે તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. શિક્ષણ સચિવ પર લાગેલા આ ગંભીર આરોપો બાદ રાજ્યના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે તમામ PTC કોલેજના વિદ્યાર્થીઓને બોલાવી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.