| AI IMAGE |
Surat Accident: સુરત શહેરમાં ઓવરસ્પીડના કારણે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુણાગામ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટી પાસે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મળતી માહિતી મુજબ, પુણાગામ સ્થિત શિવનગર સોસાયટી નજીક પસાર થતા BRTS રૂટમાં એક સ્પોર્ટ્સ બાઈક પૂરપાટ ઝડપે ધસી આવી હતી. બાઈકની ગતિ એટલી વધારે હતી કે ચાલક બાઈક પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને બાઈક જોરદાર રીતે રોડ પર પટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને મિત્રો રોડ પર ફેંકાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
પોલીસ કાર્યવાહી અને તપાસ
અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતકોના દેહનો કબજો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ પોલીસ દ્વારા મૃતક યુવાનોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.પુણાગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
ઓવરસ્પીડ બની જીવલેણ
પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અને પ્રતિબંધિત BRTS રૂટમાં બાઈક ચલાવવું અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. સુરતમાં અવારનવાર યુવાનો સ્પોર્ટ્સ બાઈક પર જોખમી સ્ટંટ કે વધુ પડતી ગતિએ બાઈક ચલાવતા જોવા મળે છે, જે અંતે આવા જીવલેણ અકસ્માતમાં પરિણમે છે.


