Gujarat

ઢસામાંથી 23 પશુને ક્રુરતાપુર્વક ગોંધીને લઈ જતા 2 ટ્રક પકડાયા

By GS Team
23 Feb 20222 mins read
This article was originally published on 23 Feb 2022
ઢસામાંથી 23 પશુને ક્રુરતાપુર્વક ગોંધીને લઈ જતા 2 ટ્રક પકડાયા

- અમરેલી ટ્રકમાં અબોલ પશુને ભરી ભરૂચની હોટલ લઈ જવાતા હતા

- ટ્રક સાથે રહેલ 4 શખ્સની અટક, પશુને હોળાયા પાંજળાપોળ મુકાયા : પશુને મોકલનાર અમરેલીના 2 શખ્સના નામ ખુલ્યા

ભાવનગર : ઢસાના ભાવનગર-રાજકોટ હાઇવે માર્ગ પર બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી અબોલ પશુને ક્રુરતાપૂર્વક ગોંધી લઇ જતા બે ટ્રકને ઝડપી પાડી ૨૩ પશુને બચાવી લઇ હોળાયા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતાં. જ્યારે બન્ને ટ્રક સાથે રહેલ ચાર શખ્સની ધરપકડ કરી લઇ પુછપરછ કરતા અમરેલીના બે શખ્સોએ જુદા જુદા ટ્રકોમાં જુદી જુદી જગ્યાએથી અબોલ પશુને ભરી આપતા ભરૂચની હોટલે લઇને જતા હોવાની વિગત ખુલવા પામી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ઢસા પોલીસને ગત રાત્રિના પેટ્રોલીંગ દરમિયાન ગૌરક્ષકોએ બાતમી આપી હતી કે, રાજકોટ-ભાવનગર રોડ ઉપર આવેલ ચાવંડ તરફથી બે ટ્રકમાં અબોલ પશુને લઇ જવાઇ રહ્યા છે જે હકિકત આધારે પોલીસે ઢસા માર્કેટીંગ યાર્ડ પાસે વોચ ગોઠવી ઉભા હતા તે વેળાએ રાત્રિના ૧૧.૪૫ કલાકના અરસા દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતા ટ્રક નં.જીજે-૧૭-એયુ-૭૭૪૨ અને ટ્રક નં.જીજે-૧૪-એક્સ-૮૮૭૮ને અટકાવી ટ્રકની પાછળ ઢાકેલ તાડપત્રીમાં તલાશી લેતા બંને ટ્રકોમાં ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધેલ હાલતે, ઘાસચારા કે પાણીની સવલત વિના ગોંધી રખાયેલ ૨૦ ભેંસ અને ૩ પાડી મળી કુલ ૨૩ અબોલ પશુ મળી આવતા બન્ને ટ્રક સાથે રહેલ ઇમ્તીયાઝ આદમભાઇ ખોરાણી (ઉ.વ.૩૫, રે.નહારપરા, અમરેલી), ઇમરાન મહંમદભાઇ ભાડુલા (રે.નહારપરા, અમરેલી), આસીફ હાજીભાઇ જોગીયા (ઉ.વ.૨૮), ઇમરાન એહમદભાઇ ખોખર (ઉ.વ.૨૫, રે.બંને સંધી સોસાયટી, અમરેલી)ની અટકાયત કરી શખ્સોના કબ્જામાંથી રોકડ, ચાર મોબાઇલ તેમજ ટ્રકમાંથી પાઇપ, લાકડી કબ્જે લઇ પુછપરછ કરતા અબોલ પશુને અમરેલીના મોટા કસ્બામાં રહેતા અંજુમ મહંમદભાઇ તરાપવાડીયાએ અમરેલી સ્મશાન પાસેથી જ્યારે અમરેલીના ચિત્તલ રહેતા મહેબુબ સીલાકાભાઇ કાલવાએ સાવરકુંડલા ફાટક પાસેથી અબોલ પશુને ભરી આપતા બન્ને ટ્રકમાં ભરી ભરૂચની શબર હોટલ ખાતે લઇ જતા હોવાની કબુલાત આપી હતી. જ્યારે પોલીસે અબોલ પશુને સાચવણી માટે હોળાયા પાંજરાપોળ માટે મોકલી આપવા તજવીજ હાથ ધરી ઉક્ત તમામ શખ્સો વિરૂદ્ધ ઢસા પોલીસે આઇપીસી ૧૧૪, પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ અને મોટર વાહન અધિનિયમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.