For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બે વેપારીઓનું રૂ. ૩૩ લાખનું સોનું અને ચાંદી લઈ બંગાળી કારીગર છૂ

Updated: Nov 24th, 2022

Article Content Image

રાજકોટની સોની બજારમાંથી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ :  ભાગી ગયેલા બંગાળી કારીગરો મોટાભાગે પકડાતા નથી

રાજકોટ, : રાજકોટનાં સોની વેપારીઓનું સોનુ લઈ બંગાલી કારીગરો ભાગી જતા હોવાનાં કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યાં વધુ બે વેપારીઓનું રૂ 33.58 લાખનું સોનુ અને ચાંદી લઈ બંગાળી કારીગર એમજુલહક શેખ ભાગી ગયાની એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાબેતા મુજબ તપાસ શરૂ કરી છે.

મોરબી રોડ પરની શીવધારા સોસાયટી શેરી નંબર 6માં રહેતા હિતેષ મનસુખભાઈ મેંદપરા (ઉ.વ. 25) સોની બજારમાં સિલ્વર એનેક્ષી કોમ્પ્લેક્ષમાં આસી ગોલ્ડ નામની દૂકાનમાં સોના-ચાંદીનાં દાગીના બનાવીને વેંચે છે. તેણે પોલીસને કહ્યું કે, તે છેલ્લા ત્રણેક વર્ષથી રામનાથપરા શેરી નંબર 4માં રહેતા અને હાથીખાના મેઈન રોડ પર સિલ્વર માર્કેટમાં પેઢી ધરાવતાં એજાજુલહકને ઓળખે છે અને તેની પાસે નિયમીત દાગીના બનાવડાવે છે.

તેણે ગઈ તા. 10 સપ્ટેમ્બર પછી એજાજુલહકને ચાંદીના એન્ટીક કંદોરા બનાવવા માટે કટકે કટકે રૂ  13.97 લાખની કિંમતની અંદાજે 35  કિલો ચાંદી આપી હતી. આ ઉપરાંત સોનાની બુટી બનાવવા માટે રૂ  3.60 લાખની કિંમતનું 70  ગ્રામ ફાઈન સોનુ આપ્યું હતું.  આ રીતે તેણે રૂ 13.97 લાખની ચાંદી અને સોનુ દાગીના બનાવવા માટે આપ્યું હતું. સાથોસાથ સિલ્વર એનેમીયાં કુબેર જવેલર્સ નામની પેઢી ધરાવતાં તેનાં પરિચિત પૂર્વરાજ રાજુભાઈ નકુમે પણ રૂ 16 લાખની કિંમતનું 309 ગ્રામ સોનુ દાગીના બનાવવા માટે આપ્યું હતું.

આ રીતે બંને વેપારીઓનું રૂ  33.58 લાખનું સોનુ અને ચાંદી લઈ એજાજુલહક ભાગી ગયો હતો. તેનો આજ સુધી કોઈ પતો નહી મળતાં ગઈકાલે એ.ડિવિઝનમાં વિશ્વાસઘાત ને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, સોની વેપારીઓનું સોનુ લઈ બંગાળી કારીગરો ભાગી જતા હોવાનાં કિસ્સા છાશવારે બને છે. બહુ જુજ કિસ્સાઓમાં આરોપી બંગાળી કારીગરો પકડાય છે. બાકી ભોગ બનનાર વેપારીઓને પોલીસ ફર્યાદ કર્યાનું માની સંતોષ લઈ લેવો પડે છે.

Gujarat