પંચમહાલ : ગોધરામાં પરીક્ષા આપીને નદીએ નહાવા ગયેલા સાત વિદ્યાર્થી ડૂબ્યા, બેના મોત

Panchmahal News : પંચમહાલના ગોધરામાં પરીક્ષા પૂર્ણ કર્યા બાદ શાળાએથી ઘરે પરત ફરતા તળાવમાં નહાવા પડેલા 7 વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના મામલે જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં બે વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
ગોધરામાં બે વિદ્યાર્થીના ડૂબવાથી મોત
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કેવડિયા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 7 જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ સ્કૂલની પાછળ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા. જેમાં ઊંડા પાણીમાં 7 વિદ્યાર્થી ડૂબ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ દુર્ઘટનામાં પાંચ વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બે વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. બંને મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. બાળકોના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મૃતકના નામ
- ધવલકુમાર વિજયભાઈ બારીઆ (રહે.ધોળી)
- સુજલકુમાર ગોપાલભાઈ રાવલ (રહે. કેવડિયા)