અમરેલીના ભંડારિયામાં બે વર્ષ પહેલા થયેલી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, મહિલાનો પતિ જ નીકળ્યો હત્યારો

Amreli News : અમરેલીના ભંડારિયા ગામની સીમમાં 2 વર્ષ પહેલા મળી આવેલા મહિલાના મૃતદેહનો ગુનો અમરેલી પોલીસે ઉકેલી કાઢ્યો છે. જેમાં મૃતક મહિલાનો હત્યારો બીજું કોઈ નહીં પણ તેનો જ પતિ હોવાનું સામે આવ્યું છે. પત્નીના હત્યારા પતિની પોલીસે ધરપકડ કરીને સમગ્ર ઘટનાનું મૃતકનું પૂતળું બનાવીને રિકન્સ્ટ્રકશન કર્યું હતું. તેમજ પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે.
2 વર્ષ પહેલા મહિલાની હત્યા કરનાર પતિ જ નીકળ્યો
અમરેલી તાલુકા પોલીસ મથકમાં 2 વર્ષ પહેલા એક દીકરી ગુમ થઈ હોવાની અરજી મળી હતી. જેમાં દાહોદના રહેવાસી નવલીબેન રમેશભાઇ બારીયાએ પોતાની દીકરી ગુમ હોય અને તેમનો જમાઈ ભાવેશ કટારા આ મામલે કોઈ માહિતી આપતો ન હોય, વગેરે આક્ષેપો સાથે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. સમગ્ર મામલે પોલીસે અરજદારના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન ગત 22 ફેબ્રુઆરી, 2023ના સાંજે 5:30 વાગ્યાના અરસામાં નાના ભંડારિયા ગામની સીમમાં ભીખાભાઈ કેશુભાઈ વોરાની વાડી નજીક આવેલા ડેમની પાળે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે નવલીબેન બારીયાને મૃતક મહિલા બતાવતા તેમની દીકરી હોવાની શંકા ગઈ હતી, જેથી પોલીસે નવલીબેનના પરિવારના DNA સેમ્પલ મેળવી એફ.એસ.એલ. માટે મોકલ્યા હતા. જેના રિપોર્ટમાં નવલીબેનના પરિવારના DNA મૃતક મહિલા સાથે મેચ થતાં, મૃતક બીજું કોઈ નહીં પરંતુ તેમની દીકરી હોવાનું સામે આવ્યું હતું.
બીજી તરફ, ગત 30 સપ્ટેમ્બર, 2025ના રોજ જમાઈ ભાવેશે તેના સાસુને કહેલું કે, ' મે તમારી દીકરીને મારી નાખી છે...' આ પછી નવલીબેને જમાઈ વિરૂદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી વિરૂદ્ધમાં આઇ.પી.સી. કલમ 302, 498(એ), 201 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે બે વર્ષથી ફરાર આરોપી ભાવેશ કટારાની વડીયાના બાદલપરની સીમમાંથી ધરપકડ કરી હતી. જ્યારે હત્યાનો ભેદ ઉકેલાયો છે, ત્યારે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રશન કર્યું હતું.