યુવાનને ચપ્પુના 7 ઘા મારી રૂ.15 હજારનો મોબાઈલ ફોન લૂંટનાર ત્રણ પૈકી બે લબરમૂછીયાની ધરપકડ

- કાકાની મરણક્રિયામાં હાજરી આપવા વલસાડથી સુરત આવેલો યુવાન ટ્રેનમાંથી ઉતરી અશ્વનીકુમાર ગરનાળા સ્મશાન ગૃહ પાસેથી મોડીરાત્રે પસાર થતો હતો ત્યારે લૂંટી લીધો હતો
( પ્રતિનિધિ દ્વારા ) સુરત, બુધવાર
કાકાની મરણક્રિયામાં હાજરી આપવા વલસાડથી સુરત આવેલો યુવાન રવિવારે મોડીરાત્રે ટ્રેનમાંથી ઉતરી અશ્વનીકુમાર ગરનાળા સ્મશાન ગૃહ પાસેથી મોડીરાત્રે પસાર થતો હતો ત્યારે તેને ચપ્પુના 7 ઘા મારી રૂ.15 હજારનો મોબાઈલ ફોન લૂંટી બાઈક પર ફરાર થયેલા ત્રણ પૈકી બે લબરમૂછીયાની કતારગામ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ વલસાડ કૈલાશનગર રોડ શેઠીયાનગર હરીઓમ એપાર્ટમેન્ટ ઘર નં.303 માં રહેતો અને મુંબઈની કંપનીમાં નોકરી કરતો 24 વર્ષીય આનંદ અવધેશભાઈ શર્મા રવિવારે રાત્રે સુરતના ફુલપાડામાં કાકાની મરણક્રિયામાં હાજરી આપવા વલસાડથી ટ્રેનમાં આવ્યો હતો. તે ટ્રેનમાંથી ઉતરી અશ્વનીકુમાર ગરનાળા સ્મશાન ગૃહ પાસેથી 11.15 કલાકે પસાર થતો હતો ત્યારે બાઈક પર આવેલા 20 થી 22 વર્ષના ત્રણ અજાણ્યા તેને ચપ્પુ વડે ડાબા પગના થાપાના માગે, જમણા હાથે કાંડાના ભાગે, જમણા પગે ઘુંટણ નીચે, ડાબા હાથની આંગળીમાં, દાઢીના ભાગે, ડાબી આંગળી ઉપર તથા માથામાં જમણી બાજુ ધા મારી રૂ.15 હજારની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી બાઈક પર ફરાર થઈ ગયા હતા.
બનાવ અંગે આનંદે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બાઇકના નંબરના આધારે લૂંટ કરનાર કોસાડ આવાસના ત્રણ ટપોરીની ઓળખ કરી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.પોલીસે ગતરોજ આ બનાવમાં બે બેકાર લબરમૂછીયા રાકેશ ઉર્ફે રાકેશ માલ્યા ઈશ્વર પાન્ડી ( ઉ.વ.20, રહે.ઘર નં.76, રંગ નગર, સહયોગ મેડીકલવાળી ગલી, અમરોલી ચાર રસ્તા, અમરોલી, સુરત. મુળ રહે.ધંડીપુરા ગામ, જી.ગંજામ, ઓરીસ્સા ) અને દીપક ઉર્ફે આદીત્ય સંતોષ સાહુ ( ઉ.વ-19, રહે. ઘર નં.8, દુર્લભ કોલોની, ન્યુ જલારામ મંદીર પાસે, અમરોલી, સુરત. મુળ રહે. નંદ્યાવાળા ગામ, જી.ગંજામ, ઓરીસ્સા ) ની ધરપકડ કરી હતી.




