તક્ષશિલા હોનારત કેસમાં પરાગ મુન્શી સહિત બે અધિકારીની જામીનની માંગ રદ
આરોપી અતુલ ગોરસાવાલા કરતાં હાલના આરોપીઓની ગુનાઈત ભૂમિકા અલગ હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા સેશન્સ કોર્ટનો ઈન્કાર
સુરત,તા.21 જુલાઈ 2020 મંગળવાર
તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં જેલવાસ ભોગવતા સુરત મહાનગર પાલિકાના આરોપી અધિકારી પરાગ મુન્શી, જયેશ સોલંકી તથા વિનુ પરમારે સમન્યાયના સિધ્ધાંત તથા વિલંબિત ટ્રાયલના મુદ્દે ચાર્જશીટ બાદ જામીન માંગતી અરજીઓને આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ નકારી કાઢી છે.
સુરતન 22 માસુમ વિદ્યાર્થીઓનો ભોગ લેનાર તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં જેલવાસ ભોગવતા સુરત મહાનગર પાલિકાના આરોપી અધિકારી પરાગ મુન્શી, જયેશ સોલંકી તથા વિનુ પરમારે ચાર્જશીટ બાદ જામીન અરજી વીથ ડ્રો કરી સુરત સેશન્સ કોર્ટમાં જામીન માટે માંગ કરી હતી. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ આરોપી પરાગ મુન્શી સહિત અન્ય બંને આરોપીઓએ અનુક્રમે છ માસમાં કેસની સુનાવણી હાથ ધરવા તથા સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ ત્રણ માસમાં તહોમતનામું ફરમાવવાના મુદ્દે ચાર્જશીટ બાદ નવેસરથી જામીન માંગ્યા હતા. તદુપરાંત આ કેસના સુરત મહાનગર પાલિકાના આરોપી અધિકાર અતુલ ગોરસાવાલાને હાઈકોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યા હોઈ ત્રણેય આરોપી ઓ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.
જેના વિરોધમાં સરકારપક્ષે ખાસ નિયુક્ત સરકારી વકીલ પી.એન.પરમારે તપાસ અધિકારી તથા ભોગ બનનાર બાળકોના વાલીઓ તરફે પિયુષ માંગુકીયાની એફીડેવિટ રજુ કરી હતી. સરકારપક્ષે જણાવ્યું હતું કે ચાર્જશીટ રજુ થયા બાદ કેસના ગુણદોષ કે સંજોગોમાં કોઈ મહત્વનો ફેરફાર આવ્યો નથી. ચાર્જફ્રેમ કરવા કે વિલંબિત ટ્રાયલના મુદ્દે સરકારપક્ષ કે કોર્ટ દ્વારા વિલંબ કરવામાં આવ્યો નથી. આરોપીઓએ ડીસ્ચાર્જ અરજી કર્યા બાદ તેની સુનાવણી તથા લોકડાઉનના લીધે હાલના આરોપીઓ વિરુદ્ધ ચાર્જફ્રેમ કે ટ્રાયલ શરૃ થઈ શકી નથી. જેથી કોર્ટે બંને પક્ષોની સુનાવણી બાદ આજે તા.21મી જુલાઈના રોજ મુલત્વી રાખેલો ચુકાદો આજે જાહેર કરી ત્રણેય આરોપીઓના જામીનની માંગને નકારી કાઢી છે. કોર્ટે જણાવ્યું હતું કે હાઈકોર્ટે જામીન મુક્ત કરેલા આરોપી અતુલ ગોરસવાલા તથા હાલના આરોપીઓની ગુનાઈત ભૂમિકા અલગ અલગ હોઈ સમન્યાયનો સિધ્ધાંત લાગુ પાડી શકાય તેમ નથી. જ્યારે હાઈકોર્ટના નિર્દેશ મુજબ છ માસમાં કેસની સુનાવણી શરૃ કરવા તથા સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ ત્રણ માસમાં તહોમતનામું ફરમાવવું કોવિડ-19 પરિસ્થતિના લીધે લોકડાઉન હોવાથી શક્ય બન્યું નથી.