ઉમરેઠમાં પરિણીતાનો ગર્ભપાત કરનાર બે નર્સની ધરપકડ, ગર્ભાશયમાં નુકસાન થતાં પતિએ ફરિયાદ કરી હતી
Anand News : આણંદના ઉમરેઠ શહેરની વેદ હોસ્પિટલની બે મહિલા નર્સોએ કોઈપણ ડિગ્રી ન હોવા છતાં નડિયાદની એક પરિણીતાનો ગેરકાયદે ગર્ભપાત કરાયો હતો. જેમાં પરિણીતાને ગર્ભાશયમાં ગંભીર ઇજા થઈ હોવાને લઈને મહિલાના પતિએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે ઉમરેઠ પોલીસે બંને નર્સ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી, ત્યારે પોલીસે આરોપી બંને નર્સની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, આણંદના મૂળ પેટલાદ તાલુકાના રાવલી ગામના વતની અને હાલ નડિયાદ ખાતે રહેતા મહંમદ અશ્ફાકમિયા મહેબૂબમિયા મલેકની પત્ની સાઈન બીબીને પેટમાં દુઃખાવો થતાં નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવ્યો હતો, જેમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
ગત 18 જુલાઈએ સાઇન બીબી તેની નણંદ કરિશ્મા બાનુ સાથે ઉમરેઠની વેદ હોસ્પિટલમાં તપાસ અર્થે ગયા હતા. જ્યાં વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હિરલબહેન કેતનકુમાર પટેલ અને સુમનબહેન ઇગ્નાશભાઈ ખ્રિસ્તી તેમની હોસ્પિટલ બહાર મળ્યા હતા. ત્યારે બંને નર્સે ડૉક્ટર સાહેબ સાથે વાત થઈ ગઈ છે. મને ગર્ભપાત કરવાનો અનુભવ છે તેમ કહીને 16000 રૂપિયામાં ગર્ભપાત કરાવવાનું નક્કી થયું હતું.
નર્સે ત્રણ કલાક સુધી મહિલાનું ગર્ભપાસ કર્યો અને દવા લખી આપી
મહંમદ અશફાક પૈસા આપતા બંને નર્સે સાઇન બીબી તથા તેણીના પતિ અને બહેનને લઈ વેદ હોસ્પિટલની પાછળ આશા કુંજ સોસાયટીમાં સુમનબહેનના ઘરે લઈ ગયા હતા. જ્યાં ઘરના ઉપરના ભાગે દવાખાના જેવી એક રૂમમાં સાઈન બીબીને ત્રણ કલાક સુધી સુમનબહેને ગર્ભપાત કરી ગર્ભનો નિકાલ કરી ત્રણેક દિવસની દવા આપી હતી અને દવા પૂરી થાય એટલે વેદ હોસ્પિટલમાં આવી સોનોગ્રાફી કરીશું તેમ કહ્યું હતું. ત્યારબાદમાં 23મી જુલાઈએ ઉમરેઠ આવ્યા હતા.
સોનોગ્રાફી કરાવતા પેટમાં બગાડ હોવાનું જણાયું
જ્યાં હિરલબહેન ઉમરેઠની સોહમ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સોનોગ્રાફી કરાવતા તબીબે પત્નીના પેટમાં બગાડ રહી ગયેલો છે, તેમ કહી દવા આપી હતી. આ પછી 28મીએ પણ બગાડ રહી ગયો હોવાનું જણાવ્યું હતું. બાદમાં પતિ- પત્ની બંને સુમનબહેનના ઘરે ગયા હતા, જ્યાં હિરલબહેન પણ હાજર હતા. જ્યાં બે કલાક જેટલો સમય રૂમમાં થયો હતો. સાઈન બીબીને તકલીફ વધારે અને બ્લિડિંગ વધતા સોહમ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સાઇન બીબીને ગર્ભાશયમાં નુકસાન થયું હોવાનું અને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે તેમ ડોક્ટરે જણાવ્યું હતું. જેમાં 60 હજાર ખર્ચ થશે તેમ કહ્યું હતું.
આ પણ વાંચો: ભૂવાએ સુરતની મહિલા પર વિધિ કરવાના નામે બસમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી
અશફાક મિયાંએ સુમનબહેનને તેઓ વેદ હોસ્પિટલમાં નોકરી કરતા હોય પત્નીની ત્યાં સારવાર કરવા કહ્યું હતું. પરંતુ સુમનબહેને સાઈન બીબીને નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરાવી ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું. આ અંગે મહમ્મદ અશફાક મિયા મલેકે ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને નર્સો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.