ગોંડલની સબજેલમાં એકસાથે બે કેદીએ એસિડ ગટગટાવ્યું, દુષ્કર્મના આરોપીનું સારવાર દરમિયાન મોત
તબિયત લથડતાં બંનેને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં
Updated: Aug 14th, 2023
રાજકોટઃ ગોંડલની સબજેલમાં બે દિવસ પહેલાં જ બે કાચા કામના કેદીઓએ એકસાથે એસિડ ગટગટાવતાં જેલતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેલમાં એક કેદીને હત્યા અને બીજાને દુષ્કર્મની સજા જાહેર થવાની હતી. સજાની ચિંતામાં બંને કેદીઓએ એસીડ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બંને કેદીઓએ એસીડ પીધા બાદ તેમની તબિયત લથડતાં તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં દુષ્કર્મના આરોપીનું મોત નિપજ્યું હતું અને હત્યાના આરોપીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સજા થવાની બીકે એસિડ પીને આપઘાતનો પ્રયાસ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોંડલમાં સબ જેલમાં રહેલા કાચા કામના કેદી ત્રિલોકરાય ચમાર અને કમલેશ્વર પ્રસાદ ભવાદીએ જેલમાં એસિડ પી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ત્રિલોક ચમાર જેતપુરમાં હત્યાના ગુનામાં જેલમાં આવ્યો હતો.ત્રિલોક ચમારે બે દિવસ અગાઉ એસિડ પી આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે અન્ય કેદી કમલેશ્વર ભવાદી ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં ગોંડલ સબ જેલમાં આવ્યો હતો. જેમાં ભોગ બનનાર દ્વારા હવસખોર કમલેશ્વરની વિરુદ્ધમાં નિવેદન આપતા તેને સજા પડવાની બીક લાગી હતી અને તેના કારણે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આપઘાતનો પ્રયાસ કરનાર બંને એક જ બેરેકમાં રહેતા હતાં
ગોંડલ સબ જેલમાં હત્યાના ગુનામાં આવેલા ત્રિલોક અને દુષ્કર્મના ગુનામાં આવેલા કમલેશ્વર બંને એક જ બેરેકમાં રહેતા અને બંનેને સાફસફાઈની કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ ત્રિલોકને પરિવારજનોએ છોડાવવા શક્ય ન હોવાનું અને દુષ્કર્મના આરોપી કમલેશ્વરને ભોગ બનનારે વિરુદ્ધમાં નિવેદન આપતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેલમાં એકસાથે બે-બે કેદીએ એસિડ પી લેતા જેલતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ગત મોડી રાત્રિના કમલેશ્વર પ્રસાદનું મોત નીપજતા પોલીસે તેનુ ફોરેન્સિક પીએમ કરવા તજવીજ હાથ ધરી હતી.