Get The App

અમદાવાદ TETની પરીક્ષા આપવા આવેલા હિંમતનગરના બે વિદ્યાર્થીને કારે અડફેટે લીધા, હાલત ગંભીર

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ TETની પરીક્ષા આપવા આવેલા હિંમતનગરના બે વિદ્યાર્થીને કારે અડફેટે લીધા, હાલત ગંભીર 1 - image

Ahmedabad Accident: અમદાવાદના અજીતમીલ ચાર રસ્તા પાસે રવિવારે (21મી ડિસેમ્બર) સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી અમદાવાદમાં ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET)ની પરીક્ષા આપવા આવેલા બે યુવાનોને અજીતમીલ ચાર રસ્તા પાસે એક બેફામ કારે અડફેટે લેતા ખળભળાટ મચી ગયો છે.

પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે પહેલા જ સર્જાયો અકસ્માત

મળતી વિગતો અનુસાર, રવિવારે સવારે હિંમતનગરથી બે પરીક્ષાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડવા માટે TETની પરીક્ષા આપવા અમદાવાદ આવ્યા હતા. તેઓ અજીતમીલ ચાર રસ્તા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક પુરપાટ ઝડપે દોડતી કારે બંનેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને પરીક્ષાર્થીઓ ફંગોળાઈને રોડ પર પડ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી વૃદ્ધ સાથે 26 લાખની છેતરપિંડી

સ્થાનિકોએ કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભાગવાનો પ્રયાસ કરી રહેલા કારચાલકને સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્ત પરીક્ષાર્થીઓને સારવાર માટે તાત્કાલિક શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.