ખંભાળિયામાં PGVCLની બેદરકારીએ બે નિર્દોષ ખેડૂતોનો લીધો જીવ, ખેતરમાં જીવંત વાયર પડતા વીજ કરંટથી બંનેના મોત
Devbhumi Dwarka News : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે વીજ વાયર તૂટીને બંને ખેડૂતો પર પડ્યો હતો. જેથી કરંટ લાગતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ PGVCLને જવાબદાર ઠેરવી આક્ષેપ કર્યો છે. જ્યારે સરપંચે જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે મૃતકોના પરિવારને યોગ્ય વળતર મળે તેવી માગ કરી છે.
વીજ કરંટ લાગતા બે ખેડૂતના મોત
મળતી માહિતી મુજબ, ખંભાળિયા તાલુકાના સોનારડી ગામ ખાતે ખેતરમાં રામસંગ જાડેજા અને તખુભા જાડેજા કામ કરી રહ્યા હતા. તેવામાં અચાનક ઉપરથી વીજળીનો જીવંત વાયર તૂટીને બંને ખેડૂતો પર પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ બંને ખેડૂતોને તાત્કાલિક ખંભાળિયાની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે બંને મૃત જાહેર કર્યા હતા.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની ઘોર બેદરકારીના કારણે બે નિર્દોષ ખેડૂતોના જીવ ગયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, 'PGVCL દ્વારા વીજ વાયરોની યોગ્ય જાળવણી અને નિરીક્ષણ થતુ નથી. જેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે.' સમગ્ર મામલે સરપંચે વહીવટી તંત્રના સમક્ષ જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે અને મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની માગ કરી છે.