ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામની હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
Harnav River Flood: રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે વિજય નગરની હરણાવ નદીમાં પૂર આવ્યું છે. વિજય નગરના હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ કારણે જળાશયના ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોને એલર્ટ કર્યાં છે. જ્યારે ખેડબ્રહ્મામાં હરણાવ નદીના પાણીમાં દેરોલ અને કેરોલ ગામ નજીક 15 લોકો ફસાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.
હરણાવ નદી ભયજનક સ્તરે વહી રહી છે
મળતી માહિતી અનુસાર, હરણાવ જળાશયમાંથી 15 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતાં નદી ભયજનક સ્તરે વહી રહી છે. જેના કારણે ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામ નજીક ખેતરોમાં કામ કરતા બે પરિવારો 15 જેટલા સભ્યો હરણાવ નદીના પાણીના પ્રવાહને કારણે અલગ-અલગ જગ્યાએ ફસાયા છે. સ્થાનિકોએ ઈડર ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ NDRF અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નોંધનીય છે કે, ખેડબ્રહ્મામાં સોમનાથ મહાદેવ મંદિર નજીક એક પૂજારી અને ચાર શ્રદ્ધાળુઓ પૂરના પાણીમાં ફસાયા હતા. જેને ફાયર વિભાગની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.