કચ્છ -સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, જાણો મધ્ય-દક્ષિણ ગુજરાતમાં કેવો રહેશે માહોલ
Gujarat IMD Rain Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 48 કલાક દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં (26 ઓગસ્ટ) આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે છૂટા-છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને રાજ્યના માછીમારોને આગામી 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 84 ટકાથી વધુ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 84 ટકાથી વધુ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 3.90 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 3.86 ઈંચ, તાપીના વ્યારામાં 3.54 ઈંચ તથા વડોદરા જિલ્લાના ડભોઈમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં જ મહિસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકામાં તથા સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં 2.13 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: 3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, અમદાવાદમાં આગાહી વચ્ચે મેઘરાજા વરસ્યાં
રાજ્યમાં ડેમની સ્થિતિ
રાજ્યના ડેમની સ્થિતિ અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 2,83,431 MCFT જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 84 ટકાથી વધુ ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,36,135 MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 78.18 ટકા છે. રાજ્યમાં હાલ 67 ડેમ 100 ટકાથી વધુ અને 27 ડેમ 90 ટકાથી 100 ટકા ભરાતા કુલ 94 ડેમને હાઈ એલર્ટ, 27 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ તથા 19 ડેમને વોર્નીગ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. 25 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત ઝોનમાં 87.43 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 86.41 ટકાથી વધુ, કચ્છ ઝોનમાં 85.08 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 83.51 ટકા તેમજ પૂર્વ મધ્ય ઝોનમાં સૌથી ઓછો 79.08 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની 12 ટુકડીઓ અને SDRFની 20 ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ 5,191 નાગરિકોનું સ્થળાંતર અને 966 નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.