ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબવાથી બે બહેનોના મોત, રુદ્રમાતા ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી
Death Due To Drowning In Bhuj: ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડા ડૂબવાથી બે સગી બહેનોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંને બહેનોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. બીજી તરફ, ભુજના રુદ્રમાતા ડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મૃત્યું નીપજ્યું હોવાના ઘટના સામે આવી છે.
પાણીના ખાડામાં ડૂબવાથી બે સગી બહેનોના મોત
મળતી માહિતી અનુસાર, ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાંથી આજે (7 જુલાઈ) બપોરના સમયે હમીદાબાઈ અબ્દુલ્લા સમા (ઉં.વ.18) અને અફસાના સમા (ઉં.વ.16) નામની બે સગી બહેનો પાણી ભરવા માટે ગઈ હતી. આ દરમિયાન બંને બહેનો પાણીના ખાડામાં નહાવા પડી હતી. જોકે, ખાડો ઊંડો હોવાથી બંને બહેનો પાણીમાં ડૂબી હતી.
પાણીના ઊંડા ખાડામાં બંને બહેનો ડૂબી હોવાની સ્થાનિકોને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેમાં એક કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢીને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
રુદ્રમાતા ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી
આ દરમિયાન, ભુજના રુદ્રમાતા ડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મૃત્યું નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા તરફ, સાબરકાંઠામાં નહાવા ગયેલા બે યુવકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક સપ્તેશ્વર નદીમાં તણાયો હતો. જ્યારે વિજયનગરમાં ધોધ પર સેલ્ફી લેવા જતાં યુવક ડૂબ્યો હતો. ઈડર તાલુકામાં આવેલા સપ્તેશ્વર પાસેની સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતાં નિલેશ દેવજીભાઈ પરમાર નામના યુવાનનો પગ લપસતા જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.