પાંડેસરામાં બહેનની કનડગતના મુદ્દે બે મિત્રોની હત્યામાં બે ઝડપાયા

- મેસેજ કરી કનડગત કરનાર હત્યારા અને તેના મિત્રને રાત્રે ઘરે આશરો આપ્યો અને ભાગવામાં મદદ કરી આર્થિક રીતે મદદરૂપ થયા હતા
સુરત
પાંડેસરાની જય જવાન જય કિશાન સોસાયટીમાં બહેનને મેસેજ કરી કનડગત કરનારને ઠપકો આપનાર ભાઇ અને તેના મિત્રની રેમ્બો છરો અને રસોઇ બનાવવાના કડછાના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરવાના ચકચારી ઘટનામાં પાંડેસરા પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર અને તેના સાથીદારને આશરો આપવા ઉપરાંત આર્થિક મદદ કરનાર બે મિત્રોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
ગત શનિવારે રાત્રે પાંડેસરાની જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા ખૂની ખેલ ખેલાયો હતો. અગાઉ ગાંજા અને મારામારીના કેસમાં ઝડપાયેલા પ્રવિણ મારવાડી ઉર્ફે પ્રવિણ સોલંકી (રહે. ગાયત્રીનગર, પાંડેસરા) ની બહેનને મેસેજ કરી કનડગત કરનાર કિશનસીંગ મનોજસીંગ (રહે. જય જવાન જય કિશાન સોસાયટી, પાંડેસરા) વચ્ચે થયેલા ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં કિશન અને તેના મિત્ર વિશાલે રેમ્બો છરા વડે પ્રવિણ પર હુમલો કર્યો હતો. જેથી તેનો મિત્ર શીવશંકર ઉર્ફે ભોલા જયસ્વાલ (રહે. રાધેશ્યામ નગર , પાંડેસરા) વચ્ચે બચાવવા પડયો હતો.

પરંતુ કિશને તેને પણ છરાના ઘા ઝીંક્યા હતા જયારે વિશાલે રસોઇ બનાવવાના કડછા વડે માથું ફાડી નાંખી બંનેને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનામાં પાંડેસરા પોલીસે અમન દિનેશ યાદવ (રહે. આશાપુરી સોસાયટી, ગોવાલક રોડ) અને દિવાકર ઓમપ્રકાશ ચૌરસીયા (રહે. તૃપ્તિનગર, પાંડેસરા) ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે હત્યા કર્યા બાદ કિશન અને વિશાલ રીક્ષામાં ભાગી ગયા હતા. રીક્ષાનું ભાડુ ચુકવવા પૈસા નહીં હોવાથી કિશને અમન અને દિવાકરને કોલ કર્યો હતો. જેથી બંને જણા રીક્ષાનું ભાડુ ચુકવી કિશન અને વિશાલને પોતાના ઘરે લઇ આવી આશરો આપ્યો હતો. ઉપરાંત બીજા દિવસે સવારે ૩ હજાર રૂપિયા આપી બાઇક પર સહારા દરવાજા સુધી બાઇક પર મુકી આવ્યા હતા.




