પોલીસની નાક નીચેથી દુષ્કર્મ અને હત્યાના બે કેદી ફરાર, સુરત સિવિલમાં 24 કલાકમાં બીજી ઘટના
Surat News : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી કેદી ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં બે ગંભીર ગુનાના આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભાગી જતાં પોલીસ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટનાને પગલે ખટોદરા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના અને હાલ પલસાણામાં રહેતા ઉત્તમ ધનગઢ વિરૂદ્ધમાં કડોદરા GIDC પોલીસ મથકમાં મે 2025માં હત્યો ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલે પોલીસ આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. પરંતુ આરોપીને ખભાના ભાગે ઈજા થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાંથી આરોપી અચાનક પોલીસકર્મીઓને ધક્કો મારી હાથકડી સાથે ભાગી છૂટ્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકારની એક અન્ય ઘટનમાં આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. જેમાં સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં ધરપકડ કરાયેલા શુભમ શર્મા નામના આરોપીને રાજકોટ ખાતે જેલ હવાલે કરાયો હતો. જ્યારે ગત શુક્રવારે આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરવા માટે લાગ્યા હતા, ત્યારે કોર્ટમાં રજૂઆત દરમિયાન આરોપીને ખેંચ આવતા તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ દરમિયાન આરોપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.