ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર

Bharuch Accident News : ભરૂચના આમોદ તાલુકામાં હાઈવે પર પૂરઝડપે આવી રહેલા ટ્રકે ટ્રેક્ટરને ભયંકર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આમોદ તાલુકા નજીક માતર ગામ પાસે હાઈવે પર શનિવારે (8 નવેમ્બર) ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી કામદારો લઈને જઈ રહેલા ટ્રેક્ટરને પૂરઝડપે આવી રહેલા ટ્રકની ટક્કર વાગી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને સમગ્ર મામલે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સાણંદ હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ગ્રામ્ય LCB એ મોરૈયાથી આરોપીને દબોચ્યો
ઘટનાને અંજામ આપીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે અને ફરાર ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

