સાણંદ હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ગ્રામ્ય LCB એ મોરૈયાથી આરોપીને દબોચ્યો

Moraiya Murder Case: રાજ્યમાં સતત વધી રહેલા ગુનાખોરીના બનાવો વચ્ચે ગુરુવારે રાત્રે સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં એક ઘાતકી હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કેસનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગત 6 નવેમ્બરના રોજ મોરૈયા ખાતેના મંગલમ્ શોપિંગ સેન્ટરના રૂમ નં. 305 માંથી અમરનાથ નાઈ નામના વ્યક્તિની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યારાએ અમરનાથના પેટમાં છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા અને ગળા પર ઊંડો ઘા મારી તેનું સ્થળ પર જ મોત નીપજાવ્યું હતું. આ ઘટનાના પગલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાણંદ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
પોલીસ ટીમોએ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી અને 100થી વધુ રહીશોની પૂછપરછ કરી હતી. આજુબાજુની લેબર કોલોનીઓ, ફેક્ટરીઓ અને ગોડાઉનોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ સિક્યુરિટી ગાર્ડ, કામદારો અને કોન્ટ્રાક્ટરોની પૂછપરછ કરવામાં આવી હતી. વિસ્તારમાં અવરજવર કરતા શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો ચકાસવામાં આવી હતી અને આરોપીને ટ્રેસ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી હતી. કલાકોની સઘન તપાસ બાદ પોલીસને એક ચોક્કસ કડી મળી હતી જેના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી.
આરોપીની ઓળખ બંશીલાલ ઉર્ફે બુલ્લીયા ધનપત ભૈરારામ મહેરા (રહે. સોમનાથ સોસાયટી, મોરૈયા ગામ) તરીકે થઈ છે. તેને મોરૈયા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. LCB એ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ચાંગોદર પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.
પોલીસે જણાવ્યું કે, હત્યા પાછળનો હેતુ શું હતો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે અને આરોપીને પીડિત સાથે કોઈ જૂની અદાવત કે અંગત ઝઘડો હતો કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

