દુકાનદારે પડીકી આપવામાં વિલંબ કરતા ત્રિપુટીનો દુકાન ઉપર પથ્થરમારો
વેપારીની મદદે આવેલ લોકોએ હુમલાખોર ત્રિપુટીને ઝડપી પાડી પોલીસના હવાલે કરી

ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલ પાન પાર્લરની દુકાને પડીકી આપવામાં વિલંબ મામલે ત્રિપુટીએ પથ્થરમારો કરી દુકાનનું કાચનું કાઉન્ટર તથા ટીવી તોડી નાખી નુકસાન પહોંચાડતા વેપારીની ફરિયાદના આધારે કપુરાઇ પોલીસે હુમલાખોર ત્રિપુટીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુંઢેલા ગામ ખાતે રહેતા પિનાકીન પટેલ શહેરના ગુરુકુળ ચાર રસ્તા પાસે આદિત્ય ઓર્બીટ કોમ્પલેક્ષમાં પાન પાર્લરની દુકાન ધરાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, આજે બપોરના સમયે સંજીવ સુનિલભાઈ યાદવ (રહે- વિજયવાડી, સોમા તળાવ પાસે) તેની માતા સાથે મારી દુકાને આવી પડીકી માંગી હતી. પરંતુ, હુ દુકાનના સામાનનો ઓર્ડર વેપારીને મોબાઈલ ફોનથી આપી રહ્યો હોય પડીકી આપવામાં વિલંબ થયો હતો. દરમ્યાન તેની માતાએ પડીકીની માંગણી કરતા હુંએ પડીકી આપતા તેઓ રવાના થઈ ગયા હતા. આશરે 10 મિનિટ પછી સંજીવ તેના બે મિત્રો શિવમ જીતુભાઈ રાજભર (રહે- વિજયવાડી, સોમા તળાવ પાસે) અને કૃષ્ણકાંત બલરામસિંહ રાજપુત (રહે - ઝવેરનગર, દંતેશ્વર) સાથે મારી દુકાને આવી અચાનક મારી સાથે ઝઘડો કરી મને અપશબ્દો બોલી પથ્થરમારો કર્યો હતો. અને દુકાનના કાઉન્ટરનો કાચ તથા જાહેરાત માટેનું ટીવી તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. સ્થળ પર એકત્ર થયેલા લોકોએ ત્રણેવને ઝડપી પાડી પોલીસને સોંપ્યા હતા.

