Get The App

ડાંગમાં ધર્મ પરિવર્તન મામલે આદિવાસીઓમાં રોષ, ખ્રિસ્તી સમાજનો કાર્યક્રમ રદ કરાવવા કલેક્ટરને રજૂઆત

Updated: May 2nd, 2025

GS TEAM

Google News
Google News
ડાંગમાં ધર્મ પરિવર્તન મામલે આદિવાસીઓમાં રોષ, ખ્રિસ્તી સમાજનો કાર્યક્રમ રદ કરાવવા કલેક્ટરને રજૂઆત 1 - image

Dang News : ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તન કરાવવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે ડાંગ જિલ્લામાં આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ગેરકાયદેસર પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવા મામલે આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બીજી તરફ, સુબીર તાલુકામાં આગામી 5થી 8 મે દરમિયાન ખ્રિસ્તી સમાજના આત્મિક જાગૃતિ મહોત્સવનું આયોજન થયું છે, ત્યારે આદિવાસી સમાજે કાર્યક્રમ રદ કરાવવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે. આદિવાસી સમાજના આરોપ છે કે, આ કાર્યક્રમ દ્વારા ધર્મપરિવર્તન કરવામાં આવે છે. 

ધર્મ પરિવર્તન મામલે આદિવાસીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આદિવાસી સમાજનું કહેવું છે કે, 'તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ડાંગ જિલ્લાના દરેક વિસ્તારમાં આદિવાસીઓની વસ્તી છે. જ્યારે સુબીર તાલુકામાં કાયદેસરના ચોપડે એક પણ વ્યક્તિ ધર્માંતરિત થઈને ખ્રિસ્તી બન્યો હોય તેવું નોંધાયું નથી. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી આદિવાસી વિસ્તારમાં કાયદાનો ભંગ કરીને બિન અધિકૃત રીતે ધર્મ પરિવર્તન કરાવવા માટે ખ્રિસ્તી ધર્મની કેટલીક મંડળીઓ દ્વારા સેમિનાર અને વિવિધ કાર્યોક્રમો, સભા તથા મેળાઓ વારંવાર કરવામાં આવે છે. ખ્રિસ્તી લોકોના માત્ર ઉદ્દેશ આદિવાસી સમાજના વધુમાં વધુ લોકોનું ધર્મ પરિવર્તન કરવાનો હોય છે.' 

ધર્મ પરિવર્તન કરાવવાને લઈને આદિવાસી સમાજે અનેક સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'સુબીર તાલુકો સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અનુસુચિ-5 પ્રમાણે, ખ્રિસ્તી ધર્મના અલગ-અલગ રાજ્યના પ્રચારકો પાંઢરપાડા ગામમાં કેવી રીતે આવી શકે? જ્યારે આશ્ચર્ય છે કે, આ બાબતે સ્થાનિક આદિવાસીને કોઈ વાંધો ન હોવાનું સામે આવ્યું છે. 

'ખ્રિસ્તી ધર્મના પ્રચારકો અંધશ્રધ્ધાના નામે ભોળી આદિવાસી પ્રજાને ગુમરાહ કરે છે....'

મળતી માહિતી મુજબ, સુબીર તાલુકામાં ગત સોમવારે જુનેર ગામે તથા પાંઢરપાડા ગામે બહારથી આવેલા કેટલાક પાસ્ટરો, વક્તાઓ, બિશપો ખ્રિસ્તી ધર્મના પ્રચારકો અંધશ્રધ્ધાના નામે ભોળી આદિવાસી પ્રજાને ગુમરાહ કરીને ધર્માંતરણનો મોટો ખેલ કરતા હોય તેવા આક્ષેપ આદિવાસી સાથે સમાજ દ્વારા આવેદનપત્ર પણ અગાઉ પાઠવવામાં આવ્યું હતું. જ્યારે આદિવાસીઓ દ્વારા આ કાર્યક્રમ માટે પરમિશન ન આપવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ કાર્યક્રમને મંજૂરી અપાઈ અને સોમવારે જુનેર ગામે ખ્રિસ્તી સમાજનો કાર્યક્રમ યોજાયો હતો. 

આ પણ વાંચો: ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા

વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, હાલ ડાંગ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી વસ્તી હોય તો ત્યાં આવા ખ્રિસ્તી ધર્મના કર્યક્રમો કેમ કરવામાં આવે છે? આવા કાર્યક્રમો યોજનારા ખરેખર કાયદેસરના ખ્રિસ્તી છે? અને હોય તો તેમના પ્રમાણપત્ર પુરાવાની ઓળખ કરવામાં આવે. આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ પૂર્વજોથી ચાલી આવેલી રૂઢી પરંપરા પ્રમાણે જ પુંજ મુકી પૂજતા આવ્યા છે. આદિવાસી ગામોમાં ભોળા ભાલા આદિવાસીઓ સાથે લોભ લાલચ/સામ/દામ/ભેદની નિતીનો ઉપયોગ કરી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ કરે છે.  જે એક ખૂબજ ગંભીર બાબત છે. જિલ્લા કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગાંધી ચીધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.