ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા
Bharuch News : ભરૂચના ઝઘડિયામાં શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટનામાં પીડિતાને ગંભીર ઈજા પહોંચતા 8 દિવસની સારવાર બાદ મોત થયુ હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આરોપી વિજય પાસવાને કબૂલાત કરી હતી કે, 'દુષ્કર્મ બાદ મે પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો.' દુષ્કર્મ અને હત્યાના બનાવને લઈને કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે.
કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી
ભરૂચના ઝઘડિયામાં 16 ડિસેમ્બર, 2024ના રોજ પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું એક શખસે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સર્જાઈ હતી. જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી હતી. આબરૂ જવાની બીકે મા-બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે બનાવના 72 દિવસ પૂર્ણ થયા બાદ સરકારી વકીલની દલીલો બાદ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મની ઘટનામાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જ્યાં 8 દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. આરોપી મૂળ ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.