દુબઈની ટુર બુક કરાવી ટ્રાવેલ એજન્ટની પરિવાર સાથે ઠગાઈ, પોલીસ ફરિયાદ

Vadodara Visa Fraud : વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે દુબઈની ટુરના નામે છેતરપિંડી થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઇલોરા પાર્કની શૈમી સોસાયટીમાં રહેતા અને સુભાનપુરામાં દુકાન ધરાવતા પિયુષભાઈ દેસાઈએ પોલીસને કહ્યું છે કે, મારે પરિવાર સાથે દુબઈ ફરવા જવું હોવાથી પરિચિતના માધ્યમથી ટુર ઓપરેટર નેહા પંડ્યા અને વિમલ ત્રિવેદીના સંપર્કમાં આવ્યા હતા. 26મી માર્ચે હું અને મારો મિત્ર નટુભાઈ સર્કલ પાસે રેસકોર્સ ટાવરમાં આવેલી ડેસ્ટિનેશન ડિસ્કવરી ટુર્સની ઓફિસમાં મળવા ગયા હતા.
બંને ટુર ઓપરેટરે છ દિવસ અને પાંચ નાઈટનું તારીખ 17 એપ્રિલનું 2.38 લાખનું પેકેજ નક્કી કરી પેમેન્ટ કર્યું હતું. પરંતુ ત્યારબાદ તેમની ઓફિસમાંથી કોઈ ફોન નહીં આવતા 14મી એપ્રિલે સંપર્ક કર્યો હતો. જે દરમિયાન નેહાએ તમારા છોકરાના નામમાં ભૂલ થઈ છે તેમ કહી ગોળ ગોળ જવાબ આપ્યા હતા.
વેપારીએ કહ્યું છે કે, ત્યારબાદ 24મી એપ્રિલે દુબઈ મોકલવાની ગેરંટી આપી હતી. પરંતુ ત્યાર પછી પણ સંપર્ક કરતા ગોળ ગોળ જવાબ મળ્યા હતા. અમે બીજાના દસ્તાવેજ માંગ્યા તો પણ આપ્યા ન હતા. જેથી રૂપિયા પરત માંગતા વિમલ ત્રિવેદી દુકાને આવી રૂ.40,000 આપી ગયો હતો. પરંતુ બાકીના રૂ.1.98 લાખ હજી આપ્યા નથી. જેથી અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ કરી છે.

