Amreli Accident: અમરેલી જિલ્લાના ધારી-ખાંભા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ખીચા અને દેવળા ગામ વચ્ચે કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક માસુમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
માનતા પૂરી કરવા આવતા પરિવારને નડ્યો કાળ
મળતી માહિતી મુજબ, આ પરિવાર મૂળ જૂનાગઢનો રહેવાસી છે. તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે ધારી પંથકમાં આવ્યા હતા. ભક્તિભાવ સાથે નીકળેલા આ પરિવારની ખુશીઓ માર્ગમાં જ માતમમાં ફેરવાઈ ગઈ હતી. ખીચા અને દેવળા ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવતી કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો:છોટાઉદેપુર: નસવાડી-દેવલીયા રોડ પર પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
સ્થાનિકોની મદદ અને પોલીસ કાર્યવાહી
અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાબડતોબ ધારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બાળકીના મોતના સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.


