Rajkot Accident: રાજકોટ-મોરબી હાઈવે પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાગદડી ગામ નજીક બે કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાને પગલે પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, ઘટના ગત મોડી રાત્રે રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા કાગદડી ગામ પાસે બની હતી. પૂરઝડપે આવી રહેલી બે કાર વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વર્ષીય મોક્ષ અને નવ મહિનાની શ્રેયા મદ્રેસણિયાનું મૃત્યુ નિપજ્યું હતું. બંને માસૂમ બાળકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઉપરાંત, કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત કયા કારણોસર સર્જાયો, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.


