અમદાવાદના બગોદરામાં કરુણાંતિકા, એક જ પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી
Ahmedabad News: અમદાવાદમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના બગોદરાના ગામમાં પાંચ સભ્યોએ એકસાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, એક જ પરિવારના પતિ-પત્ની અને તેમના ત્રણેય બાળકોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃતકોમાં વિપુલ વાઘેલા, તેમની પત્ની સોનલ વાઘેલા, 11 વર્ષની દીકરી સિમરન, 8 વર્ષનો દીકરો મયુર અને 5 વર્ષની દીકરી પ્રિન્સીનો સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ ધોળકાના દેવીપૂજક વાસ, બોરકોઠાનો વતની હતો. અહીં વિપુલ વાઘેલા ભાડાના ઘરમાં રહેતો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જોકે, પરિવારે આપઘાત કેમ કર્યો તે વિશે હજું સુધી કોઈ નક્કર માહિતી સામે નથી આવી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સારંગપુરની જર્જરિત ટાંકી બંધ, 60000 નગરજનોને ટેન્કરથી પાણી આપવાનો વારો
મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડ્યા
ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ અને તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સિવાય અમદાવાદ ગ્રામ્ય SOG, LCB, FSL અને ધંધુકા ASP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ, તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ નાની કુમાદ ગામમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે સમગ્ર ઘટના વિશે તપાસ કરવા માટે ઘરમાં શોધખોળ હાથ ધરી છે. જોકે, હજુ સુધી કોઈ સ્યુસાઇડ નોટ સામે આવી નથી. આ સિવાય પોલીસ આસપાસના લોકોના નિવેદનો પણ નોંધી રહી છે. જોકે, પરિવારે આ પગલું કેમ લીધું તે વિશે હજું સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.