Valsad News : વલસાડમાં વન્યજીવોના રક્ષણ મામલે વન વિભાગે કડક કાર્યવાહી કરી છે. દીપડાનો ગેરકાયદેસર રીતે શિકાર કરીને તેના ચામડાનું વેચાણ કરવામાં આવતું હોવાની વન વિભાગે બાતમી મળી હતી. વલસાડ વન વિભાગની ટીમે વન્યપ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેર મામલે શંકાસ્પદ વ્યક્તિના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપીના નિવાસસ્થાનેથી દીપડાના ચાર પંજા કપાયેલ ચામડું મળી આવ્યું હતું. સમગ્ર મામલે વલસાડ વન વિભાગે બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ
વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેરને લઈને વન વિભાગ એક્શનમાં આવ્યું છે, ત્યારે વલસાડના નવેરાના રહેવાસી અજય માંદા પટેલ નામના વ્યક્તિના નિવાસસ્થાને તપાસ કરતા દીપડોના ચાર પગનું ચામડું મળ્યું હતું.
સમગ્ર મામલે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, અજય પટેલે આ ચામડું કપરાડાના માલઘરના રહેવાસી સુરેશભાઈ કાશીનાથ ભાઈ વંજારા (ઉં.વ.41) પાસેથી વેપાર માટે મેળવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં સુરેશભાઈએ સ્વીકાર્યું કે, આ ચામડું તેણે પોતાના સંબંધી માલઘર ગામના ઈહદર ફળીયામાં રહેતા સીતારામ વળવી પાસેથી વેચાણ માટે લાવ્યું હતું. સમગ્ર ઘટનામાં ત્રણેય આરોપી મળીને વન્યજીવ દીપડાનો ગેરકાયદેસર રીતે શિકાર કરીને તેના ચામડાનું વેચાણ કરવાનો ગુનો આચર્યો છે.
બે આરોપીની ધરપકડ
વન વિભાગની ટીમે આરોપીની વધુ તપાસ કરતાં સુરેશભાઈની પાસે રહેલા પોટલામાં બાંધેલા પક્ષી અને પ્રાણીના હાડકાં પણ મળી આવ્યા હતા. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, હાડકાં ઘુવડના હતા. આ રીતે આરોપીઓએ વન્યજીવોનો શિકાર, વેચાણ અને તાંત્રિક વિધી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો પુરાવા મળ્યા હતા.
સમગ્ર મામલે વન વિભાગે ગુનો નોંધીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને મુખ્ય આરોપીઓના જામીન અરજીઓ વલસાડ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે, તથા વધુ તપાસ ચાલુ છે.
વન વિભાગની અપીલ
વલસાડ ઉત્તર વન વિભાગની ટીમે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ વન્યજીવના શિકાર, ચામડાનું વેચાણ, વન ઉપજના ગેરકાયદેસર કાપકામ અથવા વાહન વ્યવહાર અંગે માહિતી ધરાવતી હોય, તો તે તાત્કાલિક નજીકની વન કચેરી અથવા હેલ્પલાઇન નં.1926 પર જાણ કરે.


