વાહ રે તંત્ર! અમદાવાદમાં લારી ગલ્લા જપ્ત કરી લાખોનો દંડ વસુલ્યો, આડેધડ ખોદકામ અને ટ્રાફિક જામનું શું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદ શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસે ફરી એકવાર 'મેગા ડ્રાઇવ' શરુ કરી છે. છેલ્લા બે દિવસમાં લાખોનો દંડ વસૂલી અને લારી-ગલ્લા જપ્ત કરીને તંત્ર પોતાની પીઠ થાબડી રહ્યું છે, પરંતુ બીજી તરફ શહેરની જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો પ્રશ્ન છે કે શું માત્ર દબાણ હટાવવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે? શું તંત્રના પોતાના અણઘડ આયોજન ટ્રાફિક માટે જવાબદાર નથી?
તંત્રની કામગીરી: આંકડાની માયાજાળ
છેલ્લા 48 કલાકમાં AMC એ ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં દિવસ-રાતની દોડધામ કરી છે.
18-19 ડિસેમ્બર દરમિયાન કુલ રૂ. 2,35,600થી વધુનો દંડ વસૂલાયો.
1100થી વધુ લારી-ગલ્લા, હોર્ડિંગ્સ અને પરચુરણ સામાન જપ્ત કરાયો.
મોલ અને હૉસ્પિટલો સહિત 305થી વધુ એકમોને પાર્કિંગ બાબતે નોટિસ ફટકારી.
રાત્રિ દરમિયાન સિંધુ ભવન અને એસ.જી. હાઇવે જેવા પોશ વિસ્તારોમાં ફૂડ લારીઓનો સફાયો કરવામાં આવ્યો.

આ પણ વાંચો: અમદાવાદના SG હાઈવે પર વાહનોની લાંબી કતારો, ઇસ્કોનથી ઉજાલા સુધી 2 કિમી લાંબો ટ્રાફિક જામ

જનતાનો આક્રોશ: શું માત્ર દબાણ જ જવાબદાર છે?
તંત્ર જ્યારે દબાણ હટાવવાની વાહવાહી લૂંટી રહ્યું છે, ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરના ટ્રાફિક માટે માત્ર લારી-ગલ્લા નહીં, પણ અન્ય કેટલાક મુદ્દાઓ પણ જવાબદાર હોવાનું પ્રજા માની રહી છે.
1. આયોજન વગરનું ખોદકામ અને ડાયવર્ઝન: અમદાવાદમાં ભાગ્યે જ કોઈ એવો મુખ્ય રસ્તો હશે જ્યાં ખોદકામ ન ચાલતું હોય. એકવાર રસ્તો બન્યા પછી ગટર, પાણી કે કેબલ માટે ફરી ખોદકામ કરવામાં આવે છે. આ અણઘડ વહીવટને કારણે સર્જાતાં ડાયવર્ઝન હજારો લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવે છે.

2. પીક અવર્સમાં પોલીસની ગેરહાજરી: જ્યારે સવાર અને સાંજે હજારો લોકો ઑફિસેથી ઘર તરફ જઈ રહ્યા હોય છે, ત્યારે અનેક વ્યસ્ત ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ ગેરહાજર હોય છે. સિગ્નલો બંધ હોવા અથવા ખોટી રીતે સેટ હોવાને કારણે કિલોમીટર લાંબી લાઇનો લાગે છે.
3. તંત્રનો અણઘડ વહીવટ: ચાર રસ્તાઓના પુનઃડિઝાઇનના બણગાં ફૂંકવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ જૈસે થે છે. પાર્કિંગની પૂરતી સુવિધા ઊભી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે, જેને કારણે લોકો મજબૂરીમાં રસ્તા પર વાહન પાર્ક કરે છે.
સવાલ જનતાનો: આ ઝૂંબેશ કાયમી કે માત્ર દેખાડો?
દરેક વખતે મ્યુનિસિપલ કમિશ્નર કે કોઈ મોટા અધિકારીના આદેશ પર બે-ચાર દિવસ આવી ડ્રાઇવ ચાલે છે અને ફરી રસ્તાઓ પર સ્થિતિ એવીને એવી થઈ જાય છે. પ્રજા પૂછી રહી છે કે,
શું તંત્ર માત્ર ગરીબ લારીવાળા પર ગાજ પાડીને સંતોષ માની લેશે?
શું કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાના અધૂરા કામો અને આડેધડ ખોદકામ સામે કોઈ દંડ થશે?
પીક અવર્સમાં ટ્રાફિક પોલીસનું મેનેજમેન્ટ ક્યારે સુધરશે?
આ પણ વાંચો: પાલડી લાફા કાંડમાં નવો વળાંક? વાઈરલ વીડિયો Vs પોલીસ ફૂટેજ, મહિલાનો વધુ એક વીડિયો જાહેર
દબાણ દૂર કરવાના પગલાં યોગ્ય હોઈ શકે, પણ તે ટ્રાફિક સમસ્યાનો એક નાનકડો ભાગ છે. જ્યાં સુધી તંત્ર પોતાના આયોજનમાં સુધારો નહીં કરે અને ખોદકામ જેવી પાયાની સમસ્યાઓ નહીં ઉકેલે, ત્યાં સુધી આવી ઝુંબેશ માત્ર 'વાહવાહી લૂંટવાનો પ્રોગ્રામ' બનીને રહી જશે.








