Gujarat

અમદાવાદના SG હાઈવે પર વાહનોની લાંબી કતારો, ઇસ્કોનથી ઉજાલા સુધી 2 કિમી લાંબો ટ્રાફિક જામ

By GS TEAM
19 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદની જીવાદોરી સમાન એસ.જી. હાઈવે (SG Highway) પર આજે વહેલી સવારથી જ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતા વાહનચાલકોની હાલત કફોડી બની છે. ઈસ્કોન મોલથી લઈને ઉજાલા ચોકડી સુધીના અંદાજે 2 કિલોમીટર લાંબા પટ્ટામાં વાહનોના પૈડાં થંભી ગયા છે, જેના કારણે નોકરી-ધંધા માટે નીકળેલા હજારો લોકો કલાકો સુધી રસ્તા પર અટવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના SG હાઈવે પર વાહનોની લાંબી કતારો, ઇસ્કોનથી ઉજાલા સુધી 2 કિમી લાંબો ટ્રાફિક જામ

Ahmedabad SG Highway Traffic Update:
અમદાવાદની જીવાદોરી સમાન એસ.જી. હાઈવે (SG Highway) પર આજે વહેલી સવારથી જ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતા વાહનચાલકોની હાલત કફોડી બની છે. ઈસ્કોન મોલથી લઈને ઉજાલા ચોકડી સુધીના અંદાજે 2 કિલોમીટર લાંબા પટ્ટામાં વાહનોના પૈડાં થંભી ગયા છે, જેના કારણે નોકરી-ધંધા માટે નીકળેલા હજારો લોકો કલાકો સુધી રસ્તા પર અટવાયા છે.

બ્રિજની કામગીરી બની આફત

મળતી માહિતી મુજબ, કર્ણાવતી ક્લબ પાસે ચાલી રહેલી બ્રિજની કામગીરીને કારણે રસ્તો સાંકડો બન્યો છે. આ બાંધકામને પગલે વહેલી સવારના પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ વધી જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. 2 કિલોમીટર સુધી ફેલાયેલા આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સથી લઈને ખાનગી વાહનો અને એસટી બસો પણ ફસાઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

તંત્રના મેનેજમેન્ટનો અભાવ અને જનતાનો મરો

સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે આટલો મોટો જામ હોવા છતાં સ્થળ પર ટ્રાફિક પોલીસના જવાનો પૂરતી સંખ્યામાં હાજર નહોતા, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. બ્રિજની કામગીરી ચાલતી હોય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. સવારે 9 થી 11 ના સમયગાળામાં નોકરીએ જતા મધ્યમ વર્ગના લોકોનો કિંમતી સમય ટ્રાફિકમાં વેડફાયો હતો.

તો બીજી તરફ સર્વિસ રોડ તરફ જતાં રસ્તાઓ પર આડશ ઉભી કરી દેતાં વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આડશના લીધે વાહન ચાલકોને બે કિલોમીટર લાંબો ધક્કો ખાવો પડે છે. એટલું જ નહી આડશના કારણે ટ્રાફિકની સમસ્યા ઘટવાના બદલે વધતી જતી જોવા મળી રહી છે. 

એક પરેશાન વાહનચાલકે જણાવ્યું હતું કે "રોજ આ જ સમસ્યા હોય છે, પરંતુ આજે સ્થિતિ હદ બહાર ગઈ છે. તંત્ર કામ કરે તે સારી વાત છે પણ ટ્રાફિકનું યોગ્ય પ્લાનિંગ હોવું જોઈએ." 

વહીવટી તંત્ર સામે સવાલ

જ્યારે પણ શહેરમાં મોટા પ્રોજેક્ટ્સ ચાલે છે ત્યારે ટ્રાફિક ડાયવર્ઝન કે વધારાના ટ્રાફિક જવાનોની તૈનાતી કેમ કરવામાં આવતી નથી? શું સામાન્ય જનતાએ હંમેશા તંત્રની બેદરકારીનો ભોગ બનવું પડશે?

હાલમાં ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ વાહનચાલકોને સલાહ છે કે શક્ય હોય તો એસ.જી. હાઈવેના આ પટ્ટા પર મુસાફરી કરવાનું ટાળે અથવા વૈકલ્પિક માર્ગ પસંદ કરે.