Ahmedabad Vatva GIDC Bridge Demolition: અમદાવાદના ઔદ્યોગિક હબ ગણાતા વટવા GIDC વિસ્તારમાં મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ખારીકટ કેનાલ પર આવેલો વર્ષો જૂનો મચ્છુનગર બ્રીજ જર્જરિત થઈ જતાં તેને તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાંધકામ પ્રક્રિયા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને આગામી 6 મહિના માટે આ માર્ગ બંધ રાખવા અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે
વટવા GIDCમાં આવેલો આશરે 23 મીટરની લંબાઈ ધરાવતો મચ્છુનગર બ્રીજ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહેતો હતો. આ બાબતને ધ્યાને રાખીને GIDC દ્વારા આ બ્રીજનું નવનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે પહેલી જાન્યુઆરીથી 30મી જૂન 2026 સુધી તમામ પ્રકારના નાના-મોટા વાહનો માટે અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે
આ સમયગાળા દરમિયાન રામોલ ચાર રસ્તાથી અંબિકા ત્રણ રસ્તા (ત્રિકમપુરા પાટીયા) સુધીનો અંદાજે 200 મીટરનો રોડ બંધ રહેશે. વાહનચાલકોની સુવિધા માટે GIDCથી બહાર જતા વાહનો માટે જે વાહનો મચ્છુનગર અંદરના ભાગથી આવતા હોય, તેમણે રામોલ પોલીસ ચોકી થઈ હાથીજણ લાલગેબી સર્કલ તરફ જવાનું રહેશે. ત્યાંથી તેઓ ત્રિકમપુરા તરફના મુખ્ય માર્ગો પર જઈ શકશે.
GIDC માં પ્રવેશતા વાહનો માટે જે બહારથી GIDCમાં આવવા માંગતા વાહનચાલકોએ ત્રિકમપુરા ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને અંદરના માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.


