ગુજરાતમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 1272, નવા 176 કેસ નોંધાયા
- અમદાવાદમાં કોરોનાના 143 નવા સાથે કુલ પોઝિટિવ કેસ 765
ગાંધીનગર, તા. 18 એપ્રિલ 2020 શનિવાર
રાજ્યમાં કોરોનાનો કાળો કહેર અટકી રહ્યો નથી. કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 18મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોનાના કુલ 176 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1272 પર પહોંચી છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં જ 143 કેસ મળી આવતા હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2 અને આણંદમાં 1, ભરૂચમાં 1 અને પંચમહાલમાં 1 કેસ મળી આવ્યા છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં કુલ નવા કેસમાંથી અમદાવાદમાં જે કેસ આવ્યા છે તે એગ્રેસિવ ટેસ્ટિંગના કારણે આવ્યા છે. તમામ કેસ હોટસ્પોટ વિસ્તારના છે. રાજ્યમાં 18મી એપ્રિલ સુધી સવારે 10.00 વાગ્યા સુધીની સ્થિતિમાં 1272 એક્ટિવ કેસ છે.
અમદાવાદમાં જે વિસ્તારમાં કેસ આવ્યા છે તેમાં ગોમતીપુર, વેજલપુર, દરિયાપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, જમાલપુર, ખાડીયા, અસારવા, જુના વાડજ, બહેરામપુરા, કાંકરીયા અને બોડકદવેનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં જે 1272 કેસ જેમાંથી 07 ક્રિટિકલ છે જ્યારે 1129 સ્ટેબલ છે. જ્યારે 88 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 48એ પહોંચ્યો છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસના તમામ રેકોર્ડ તૂટ્યા છે. કોરોના વાઈરસના 17મી એપ્રિલે રાત્રે 8.00 વાગ્યા પછી 143 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ શહેરના તમામ હોટસ્પોટ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસ મળી રહ્યા છે ત્યારે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જોકે, અમદાવાદમાં વધુ સઘન ચેકિંગ કરવામાં આવશે તેવી તંત્રની તૈયારી છે.
અમદાવાદના દક્ષિણ ઝોનમાં 92 કેસ, મધ્યઝોનમાં 38 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે. બાર કલાકમાં શહેરના દાણીલીમડા, શાહઆલમ, બહેરામપુરા વિસ્તારમાં 92 જેટલા કેસ નોંધાયા છે. મધ્યઝોનમાં આવેલા ખાડિયા, ખાનપુર, દરીયાપુર, સહીતના વિસ્તારોમાં 38 જેટલા કેસ નોંધાયા છે. ઉત્તર ઝોનમાં ત્રણ કેસ નોંધાયા છે. પૂર્વ ઝોનમાં 6 કેસ, પશ્ચિમ ઝોનમાં 2 કેસ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 6 કેસ નોંધાવા પામ્યા છે. અમદાવાદ શહેરમાં આજે વધુ 4 લોકોના મોત થતા મોતનો આંક 25 પર પહોંચ્યો છે કુલ કેસ 765 થયા છે.
એલ.જી.હોસ્પિટલમાં કોન્ટેક ટ્રેસીંગ કરી લાગતા વળગતાને કોરન્ટાઈન કરાયા
અમદાવાદ,એલ.જી.હોસ્પિટલના રેસીડન્ટ ડોકટરો સહીત મેડીકલ સ્ટાફને કોરોના પોઝિટીવ થયા બાદ હોસ્પિટલમાં કોન્ટેક ટ્રેસીંગ કરીને લાગતા વળગતા લોકોને કોરન્ટાઈન કરાયા છે. હોસ્પિટલમાં ઓર્થોપિડીક પેશન્ટ આવ્યો હતા જે કોરોના પોઝિટીવ હતો.એની સારવાર દરમિયાન તબીબો અને મેડીકલ સ્ટાફને કોરોના પોઝિટીવ થયો હતો.