'રસ્તા ખરાબ છે તો ટોલ શેના વસૂલો છો...', સાંતલપુરમાં ફરિયાદ કરતા જ ટોલ કર્મીઓ પર ધોકા-લાકડી વરસ્યા
Patan News : રાજ્યમાં રોડરસ્તા ખરાબ હાલતમાં હોવાથી ટોલ ભરવા મામલે ઘણી વખત બબાતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પાટણના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પરના બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ખરાબ રસ્તા અંગે કારચાલક અને તેના પરિવારે વાંધો ઉઠાવતા ટોલના કર્મચારીઓ દ્વારા પરિવાર પર ધોકા-લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં થરાદના પિતા-પુત્ર સહિત ત્રણને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના મામલે પરિવારે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાંતલપુર પાસે ટોલ બૂથ પર મારામારીની ઘટના
મળતી માહિતી મુજબ, સાંતલપુર પાસે બકુત્રા ગામ નજીક આવેલા ટોલ બૂથ પર મારામારીની ઘટના સામે આવી છે. જેમાં થરાદના દિલીપ સાધુ તેમના પરિવાર સાથે અંજાઈ જઈ રહ્યા હતા, ત્યારે ટોલ બૂથ પર બંધ હોવાથી દિલીપના પરિવારે ખરાબ રસ્તા હોવા છતાં ટોલ વસૂલવામાં આવતો હોવાથી વાંધો વ્યક્ત કર્યો હતો. જોકે, તેવામાં ટોલ કર્મચારીઓ દાદાગીરી કરીને મારામારી કરી હતી.
પીડિત પરિવારનું કહેવું છે કે, ટોલ કર્મચારીઓએ અપશબ્દો બોલીને ધોકા-લાકડી વડે મારામારી કરી હતી અને મહિલાઓ સાથે ગેરવર્તન પણ કર્યુ હતું. ઘટનામાં દિલીપના પિતા દામોદરદારસને માથાના ભાગે અને તેના ભાઈ સાગરને ખભાના ભાઈ ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગીર સોમનાથ મારામારી કેસ: દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો
સમગ્ર ઘટના મામલે પીડિત પરિવારે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં હરેશ આહીર, લાલા આહીર, કમા આહીર અને વજા આહીર વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.