ગીર સોમનાથ મારામારી કેસ: દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો
Devayat Khavad Bail Rejected: લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી છે. ગીર સોમનાથમાં થયેલી મારામારીના કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે તેમના જામીન રદ કર્યા છે. થોડા દિવસો પહેલાં તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા, જેના પર તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો.
તાલાલા પોલીસે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી હતી. વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા આ રિવિઝન અરજી માન્ય રાખવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે દેવાયત ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે કોઈ વિરોધ કર્યો નહોતો.
આ ચુકાદા બાદ દેવાયત ખવડને ફરીથી તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. આ ઘટનાએ કલાકારના જીવનમાં નવો વળાંક લાવી દીધો છે. હવે દેવાયત ખવડ ટૂંક સમયમાં તાલાલા પોલીસ મથકે સરેન્ડર કરશે.
શું હતી ઘટના?
અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મનદુઃખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો.
ધ્રુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે, તે હતો ત્યારે કોઈ અન્ય શખસે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ગીરમાં ન આવવા ચેતવણી આપી હતી. જોકે, આ ધમકીને તેણે ગંભીરતાથી લીધી ન હતી. વધુમાં ભોગ બનનાર યુવાને જણાવ્યું હતું કે, 'દેવાયત ખવડ અને તેના માણસોએ મારી રેકી કરી હતી. હું મારા મિત્રના રિસોર્ટમાં રોકાયો હતો ત્યાં પણ આવ્યા હતા. રિસોર્ટમાંથી મને શોધતા દેવાયત ખવડ અને તેના માણસો શોધતા હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ મે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું. આવી રીતે પાછળથી હુમલો કરશે એવો તો ખ્યાલ જ ન હતો.'