પ્લેન ક્રેશ બાદથી હવાઈ મુસાફરો ભયભીત, અમદાવાદમાં જ 16000 મુસાફરોએ ટિકિટમાં ફેરફાર કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશ સ્થળ પર સતત તપાસ ચાલી રહ્યો છે. ત્યારે એર ઈન્ડિયા પ્લેન ક્રેશ પછી મેઈન્ટેનન્સના કારણોસર અઠવાડિયામાં સરેરાશ 48 ફ્લાઈટ રદ થઈ રહી છે. તેના કારણે પ્લેન ક્રેશ પછીની તારીખોના ટૂંકા ગાળામાં 25000થી વધુ ટિકિટોનું રિશિડ્યુલિંગની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. માત્ર અમદાવાદમાંથી 16000થી વધુ ટિકિટોનું રિશિડ્યુલિંગ કરવામાં આવ્યું છે. જે સ્થાનિક સ્તરે નોંધપાત્ર રિશિડ્યુલિંગ છે. 20મી જૂને આઠ ફ્લાઈટ રદ થવાથી એક હજાર ટિકિટો રિશિડ્યૂલિંગમાં પરિણમી હતી. તેની સામે અન્ય વિકલ્પની ફ્લાઈટો પસંદ કરાતા આગળના દિવસોની ફ્લાઈટોની ટિકિટોમાં પણ રિશિડ્યૂલિંગ થઈ રહ્યું છે.
છેલ્લા એક અઠવાડિયાથી પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાએ તેની ઈન્ટરનેશનલ ફૂલાઈટોમાં 15 ટકાનો ઘટાડો કર્યો છે. સાથે તેની ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ 12 ટકાનો ઘટાડો કર્યો છે. 13મી જૂનથી લઈને 17મી જૂન સુધીમાં એર ઈન્ડિયાની કુલ 83 ફ્લાઈટ કેન્સલ થઈ છે. જેમાં બોઈંગ 787-8 ડ્રીમલાઇનર સાથે સંકળાયેલી 66 ફ્લાઈટમાં મેઈન્ટેનન્સ ચેકિંગના કારણે સ્થગિત કરવામાં આવી છે.
એર ટિકિટ બુકિંગ અને કેન્સલિંગમાં 20 ટકાનો ઘટાડો
એર ઈન્ડિયા દ્વારા જુલાઈ મધ્ય સુધી અઠવાડિયાની સરેરાશ 48 ફ્લાઈટોને કેન્સલ કરવામાં આવી રહી છે અને તેની સીધી અસર બુકિંગ અને વ્યાપક કેન્સલેશન પર પડતા રિશિડ્યુલિંગ પણ વધી રહ્યું છે. ટ્રાવેલ એજન્ટોના મતે એર ટિકિટ બુકિંગ અને કેન્સલિંગમાં 20 ટકાનો ઘટાડો થયો છે. એર ઈન્ડિયાની ચાર જ દિવસમાં કેન્સલ થયેલી ફ્લાઈટસની ટિકિટનો અંદાજ મારવામાં આવે તો 25000થી વધુ ટિકિટોના રિશિડ્યુલિંગ પર સીધી અસર થઈ છે. દર અઠવાડિયે થઈ રહેલા કેન્સલેશનની સીધી અસર બીજી ફ્લાઈટો પર પડતાં આશરે 57000થી વધુ ટિકિટોના શિડ્યુલ પર પણ તેની સીધી અસર પડી છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં ઈન્શ્યોરન્સ ક્લેમની રકમ 4000 કરોડનો આંકડો વટાવે તેવી શક્યતા
અમદાવાદમાં એર ઈન્ડિયાના 171 પ્લેન ક્રેશ પછી મુસાફરોના આવન-જાવનમાં નોંધપાત્ર 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક ઘટાડા તરફ નજર કરીએ તો સૌથી વધુ રિશિડ્યુલિંગની ઘટના અમેરિકાના 9/11ની ધટના અને કોરોનાના શરુઆતના સમયે થઈ હતી. 9/11ના કારણે 2 લાખ ટિકિટો રિશિડ્યુલ થઈ હતી અને કોરોનાને કારણે બે વર્ષના ગાળામાં 10 લાખથી વધુ ટિકિટો રિશિડ્યુલ થઈ હતી. વૈશ્વિક આ આંકડા સામે અમદાવાદનો આંકડો સ્થાનિક રીતે રિશિડ્યુલિંગની ઘટનાની રીતે વધુ નોંધનીય છે.








